જ્યોતિષના સહારે ભારતીય ફૂટબૉલ ટીમ !

જ્યોતિષના સહારે ભારતીય ફૂટબૉલ ટીમ !
ભારતીય ફૂટબૉલ સંઘે જ્યોતિષ સાથે જોડાયેલી કંપનીને ચૂકવ્યા રૂા. 16 લાખ
નવી દિલ્હી, તા. 24 : ભારતીય ફૂટબોલ ટીમે સારુ પ્રદર્શન કરતા એએફસી એશિયન કપ માટે ક્વોલીફાઈ કર્યું છે. ભારતે એએફસી  એશિયન કપના ક્વોલીફાયરના રાઉન્ડ 3મા  તમામ ત્રણ મેચ જીતીને ઉપલબ્ધી મેળવી હતી. ભારતીય ટીમે ઓવરઓલ પાંચમી વખત ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. ભારતે આ પહેલા 1964, 1984, 2011 અને 2019ની ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યું છે.
હવે ભારતીય ફૂટબોલ ટીમના આ સફળ અભિયાનને લઈને એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલ મુજબ એઆઈએફએફ (અખિલ ભારતીય ફૂટબોલ સંઘ)એ એએફસી એશિયન કપ ક્વોલીફાયર પહેલા રાષ્ટ્રીય ટીમ માટે એક જ્યોતિષીને નિયુક્ત કર્યો હતો. ટીમના આંતરિક સૂત્રોના કહેવા પ્રમાણે એશિયા કપ પહેલા રાષ્ટ્રીય ટીમ માટે એક મોટીવેટરની નિયુક્તિ કરવામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે જે કંપની સાથે કરાર થયો છે તે જ્યોતિષ સાથે જોડાયેલી કંપની છે અને આ માટે 16 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 
ભારતે એએફસી એશિયન કપ ક્વોલીફાયરના ત્રીજા રાઉન્ડમાં  શરૂઆતી બે મુકાબલામાં કંબોડિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. જ્યારે અંતિમ મેચમાં હોંગકોંગને 4-0થી હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ફૂટબોલ સંઘ પહેલાથી જ વિવાદમાં છે. ભારતીય ફૂટબોલમાં ચાલી રહેલા વિવાદને ખતમ કરવા માટે સમય સીમા આપવામાં આવી છે. ફીફાએ સંવિધાનને મંજૂરી આપવા માટે 31 જુલાઈ અને ચૂંટણી માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો તેને માનવામાં નહીં આવે તો પ્રતિબંધ લાદી દેવામાં આવશે. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust