ધંધાકીય અને વ્યવસાયિક લાભો પર હવે ટીડીએસ લાગશે

ડૉક્ટરો, ડીલરો, ફ્રેન્ચાઈઝીઓ, એન્ડોર્સરો ઝપટમાં
નવી દિલ્હી, તા. 24 : બિઝનેસ અને વ્યવસાયમાં મળતા લાભો પર ટૅક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ)ના નવા નિયમો કેવી રીતે લાગુ થશે એ વિષે સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સીસે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી જોગવાઈઓ પહેલી જુલાઈથી અમલમાં આવશે. ઈન્ક્મ ટેક્સ એક્ટ 1961માં 194આરની નવી કલમ આ માટે બજેટમાં દાખલ કરવામાં આવી હતી. આ કલમ નીચે જે કોઈ વ્યક્તિ ભારતના નાગરિકને તેના બિઝનેસ કે વ્યવસાયને સંલગ્ન રૂા. 20,000 સુધીના લાભ આપે તેણે 10 ટકા ટીડીએસ કાપી લેવાનો રહેશે. જે વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત કુટુંબની આવક કે ટર્નઓવર કે વેચાણ અગાઉના નાણાકીય વર્ષમાં રૂા. એક કરોડથી વધુ ન હોય તેમને અને જે વ્યવસાયીઓની આવક રૂા. 50  લાખથી વધુ ન હોય તેમને આ જોગવાઈ લાગુ નહિ પડે. 
જે બિઝનેસમાં ડીલરો અને ફ્રેન્ચાઇઝીસ હોય અને તેમને કામગીરી અનુસાર કે પછી વેચાણ માટે લાભ અપાતા હોય તેવા બિઝનેસને આ જોગવાઇની અસર થશે. એક અભિપ્રાય અનુસાર સોશિયલ મીડિયા પર અન્ય લોકોને પ્રભાવિત કરતી વ્યક્તિઓ, કલાકારો, મ્યુઝિક બેન્ડ વગેરેને પણ આ જોગવાઈ લાગુ પડશે કેમ કે તેમને માર્કાટિંગ માટે લાભ અપાતા હોય છે. નવા કાયદા અનુસાર જે લાભ પર ટીડીએસ લાગશે તેમાં બિઝનેસ કોન્ફરન્સ, લીઝર  ટ્રિપ્સ, લક્ષ્યાંક ને લગતા રોકડ રકમ કે અન્ય પ્રોત્સાહનો, પ્રોત્સાહન તરીકે અપાતી ભેટસોગાદો, વીમો, પરિવાર માટે મળતી મફત ટ્રિપ્સ, અન્ય લોકોને પ્રભાવિત કરવા સોશિયલ મીડિયાના લોકોને અપાતા પ્રોત્સાહન, ડૉક્ટરો વગેરેને મળતી ભેટ સોગાદોનો સમાવેશ થાય છે.   
કોઈ કંપની તેના માર્કાટિંગના ભાગ તરીકે કેટલાક સાધનો સોશિયલ મીડિયા  ઇન્ફ્લ્યુએન્સર્સ ને આપે અને એવી વ્યક્તિ સાધનો રાખી લે તો તેના પર પણ હવેથી ટીડીએસ લાગશે. રોકડ રકમ, ભેટસોગાદ કે બંને સ્વરૂપે અપાતા પ્રોત્સાહનો પર પણ નવી જોગવાઈ નીચે ટીડીએસ કાપવાનો રહેશે. જો પ્રોત્સાહન ભેટસોગાદના સ્વરૂપમાં હોય તો ટીડીએસ કાપનારે જોવાનું રહેશે કે એ મેળવનાર વ્યક્તિ તેનો એડવાન્સ ટૅક્સ ભરે છે. નહી તો આવો લાભ આપનારે ટીડીએસ સરકારને આપવાનો રહેશે અને ટીડીએસ પણ લાભનો ભાગ ગણાશે. 
લાભ મેળવનાર તેના પર ટૅક્સ ભરવા માટે જવાબદાર છે કે નહિ તે મહત્ત્વનું નથી. જે વ્યક્તિ બીજા કોઈને આવો લાભ આપે છે તેના પર જ 194આર નીચે આ જવાબદારી રહે છે. ટીડીએસ કાપનારે એ જોવાનું નથી કે લાભ મેળવનારના હાથમાં આ રકમ પર કર પાત્ર છે કે નહિ, કે પછી કઈ કલમ નીચે એ કર પાત્ર છે.    
જોકે, કેટલીક ચીજવસ્તુઓને આ જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવી છે. કર્મચારીઓને સેક્શન 17(2) હેઠળ જે સવલતો મળે તેમને આ જોગવાઈ લાગુ નહિ પડે. ભાડા મુક્ત નિવાસ સ્થાન, મફત મળતી કેટલીક સેવાઓ, કંપની કોઈ ફંડમાં આપે એવી રકમ, અમુક કિસ્સામાં કર્મચારી કે તેના પરિવારની તબીબી સારવાર માટે કંપની દ્વારા ચૂકવાતી રકમ વગેરે નો આમાં સમાવેશ થાય છે, એમ નિષ્ણાતોનું કહેવું છે. 
સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઇન્સર્સે આમાંથી સપષ્ટતા માટે તેમના સલાહકારનો સંપર્ક કરવો જોઈએ. પ્રમોશન માટે તેમને જે ચીજવસ્તુઓ મળી હોય તે કર પાત્ર છે કે નહિ તે તેમણે જાણી લેવું જોઈએ. આવા સાધનો એમણે પરત કરવા જોઈએ.    
હૉસ્પિટલોને મળતા ફ્રી સેમ્પલ્સ અને ડૉક્ટરોએ અપાતી મફત દવાઓ પણ નવી જોગવાઈના વ્યાપમાં આવી જશે. હૉસ્પિટલો આવી રકમને સેક્શન 192 નીચે મળતા લાભ ગણીને ટૅક્સ વસૂલી શકે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust