મન્થલી જીએસટી પેમેન્ટ ફૉર્મમાં સુધારા થશે

જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં દરખાસ્ત રજૂ થશે
નવી દિલ્હી, તા. 24 : ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની આગામી 28-29 જૂને ચંડીગઢમાં મળનારી બેઠકમાં મન્થલી ટૅક્સ પેમેન્ટ ફોર્મ - જીએસટીઆર-3બીમાં ફેરફાર કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં `સેલ્સ રિટર્નમાંથી આઉટવર્ડ સપ્લાયના અૉટો પોપ્યુલેશન અને નોન એડિટેબલ ટૅક્સ પેમેન્ટ ટેબલ'નો સમાવેશ થતો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ સુધારણા થશે તો બનાવટી બિલો દર્શાવી ઊંચા વેચાણ દ્વારા ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી) માટે દાવો કરવાનું દૂષણ ડામી શકાશે. જેમાં વિક્રેતા જીએસટીઆર-વન હેઠળ ઊંચું વેચાણ દર્શાવી ખરીદદારને આઈટીસી મેળવવા માટે સહાય કરે છે પણ જીએસટીઆર-3બીમાં તે જીએસટી ઓછો ભરવો પડે તે માટે વેચાણને ઓછું દર્શાવે છે.
અત્યારે જીએસટીઆર-3બીમાં અૉટો ડ્રાફ્ટેડ ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી) સ્ટેટમેન્ટ્સનો સમાવેશ થાય છે જે ઇનવર્ડ અને આઉટવર્ડ બીટુબી સપ્લાય ઉપર આધારિત હોય છે. આ સૂચિત ફેરફાર થયા બાદ ફોર્મ ભરવાનું સરળ થશે અને જીએસટીઆર-3બી ફાઇલિંગની પ્રક્રિયા પણ સહેલી થશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
જીએસટીઆર-3બી ફોર્મમાં ટૅક્સ પેમેન્ટનું ટેબલ અન્ય ફોર્મમાં રહેલા ટેબલના આધારે આપમેળે ભરાતા જશે અને તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. કાઉન્સિલની લૉ કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણો બાદ સુધારવામાં આવેલા ફોર્મમાં `અૉટો પોપ્યુલેશન'ની સુવિધા દાખલ કરવામાં આવી છે.
જીએસટીઆર-વનમાં થયેલા સુધારાના આધારે જ જીએસટીઆર-3બીમાં વ્યવહાર સુધારા કરવામાં આવશે. 
તેમાં (જીએસટીઆર-3બીમાં) અલગથી સુધારિત ટેબલ (લાયાબિલિટી માટે) રજૂ કરવામાં આવશે, જેથી કરદાતાને તેમાં વધુ સ્પષ્ટતા જોવા મળશે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust