કીમતી ધાતુઓમાં હળવો ઘસારો

કીમતી ધાતુઓમાં હળવો ઘસારો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 24 : કિંમતી ધાતુઓના ભાવ હળવે હળવે ઘસાય રહ્યા છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો થવાને લીધે શુક્રવારે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1827 ડોલરના સ્તરે મક્કમ હતો જ્યારે ચાંદી 20.88 ડોલરની સપાટીએ હતી. ફેડરલ રિઝર્વ દ્વારા નાણાનીતિ આક્રમક બનાવવામાં આવશે તેવા ફફડાટને લીધે સોનામાં નવી લેવાલી મંદી પડી ગઇ છે. વ્યાજદર વધવાના ફફડાટથી વેચવાલી આવ્યા કરે છે. 
રાજકોટની ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ખાસ વધઘટ ન થતા 24 કેરેટ શુધ્ધતામાં રૂ. 40 ઘટીને રૂ. 52260નો ભાવ હતો. જ્યારે ચાંદી એક કિલોએ રૂ. 700 તૂટીને રૂ. 60300 થઇ ગઇ હતી. હવે નવા સપ્તાહે રૂ. 60 હજારનું સ્તર તૂટે છેકે કેમ તેના પર સૌની નજર છે. મુંબઇમાં સોનું રૂ. 24 ઘટતા રૂ. 50829 અને ચાંદી રૂ. 650 તૂટીને રૂ. 59350ના સ્તરે હતી. 
ફેડરલ ઓપન માર્કેટ સમિતિના સભ્યો વિશ્વભરમાં રિસેશન ફેલાશે એવી વાતો કરી રહ્યા છે પણ ફેડ રિસેશન નહીં ફેલાવીને ફુગાવા સામે લડવાના મૂડમાં છે. જેરોમ પોવેલે બેંકરોની બેઠકમાં બીજા દિવસે એં કહ્યું હતુ કે, અત્યારે ફુગાવો જોવા મળી ર્હોય છે તે બિનશરતી છે પણ વ્યાજર વધારો વધારે પડતો કરવામાં આવશે તો બેરોજગારીના પ્રમાણમાં વધારો થવાનો ભય રહેલો છે. ઉંચા વ્યાજદરને લીધે સોનામાં માગ આવશે નહીં તે હવે નિશ્ચિત થતું જાય છે. હવે કોઇ અસામાન્ય સંજોગ આવે તો જ સોનાના ભાવમાં તેજી આવશે. જોકે હજુ સાક્સો બેંક ફુગાવાના પરિબળો ઉપર તેજીમા છે અને ભાવ 1890 ડોલર સુધી કે તેનાથી ઉપર હવેના મહિનાઓમાં જઇ શકે છે. 
બેંકો હવે લોન મોંઘી બનાવી રહી છે એનો સીધો અર્થ એવો થાય કે ફુગાવો કાબૂમાં આવે એ પૂર્વે રિસેશનનો ઝટકો આવી શકે છે. આવા તબક્કામાં સોનાની ખરીદી વધી શકે છે એમ અભ્યાસુઓ કહે છે. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust