ઘઉં, મકાઈ, ખાંડ અને કપાસના ભાવ ઘટીને યુદ્ધ પૂર્વેના સ્તરે

ઘઉં, મકાઈ, ખાંડ અને કપાસના ભાવ ઘટીને યુદ્ધ પૂર્વેના સ્તરે
મોંઘવારી કાબૂમાં આવી રહી છે
નવી દિલ્હી, તા. 24 : રાષ્ટ્રથી અન્ન સુરક્ષાની ચિંતા કરી રહેલા વિશ્વના અનેક દેશો માટે સારા સમાચાર આવ્યા છે. અનેક જણસોના ભાવ રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાના સ્તરે ઘટયા છે. તેમાં મુખ્યત્વે ઘઉં, મકાઈ, ખાંડ અને કપાસનો સમાવેશ થાય છે.
અનાજની વિવિધ જણસોમાં ઘઉંના આંતરરાષ્ટ્રીય બજાર ભાવમાં 26.4 ટકાનો ઘટાડો થયો છે જ્યારે મકાઈના ભાવ 14.5 ટકા ઘટયા છે અને ખાંડના ભાવમાં 9.4 ટકાની નરમાઈ આવી છે. માગ ઓછી થવાની ચિંતાએ કોટન વાયદા ત્રણ માસના નીચલા સ્તરે પહોંચી ગયા છે ત્યારે કાચી ખાંડનો ભાવ છ સપ્તાહના તળિયે પહોંચી ગયો છે. આ અગાઉ દેશના અન્ન પુરવઠા મંત્રાલયે ખાદ્યતેલના ભાવ ઘટવાનો સંકેત આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સમયસરના હસ્તક્ષેપ અને આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થવાના કારણે પામતેલ સાથે, સન ફ્લાવર અને રાઇસ બ્રાન તેલના ભાવમાં બ્રાન્ડેડ કંપનીઓએ લીટર દીઠ ભાવમાં રૂા. 10થી 15નો ઘટાડો જાહેર કર્યો છે.
જોકે, સીંગતેલના ભાવ હજી મચક આપતા નથી અને તેનો ભાવ પ્રતિ કિલો રૂા. 150થી 190 વચ્ચે રહ્યા છે.
ઘઉં, ખાંડ, મકાઈ અને કપાસના ભાવ ઘટવાથી ઉદ્યોગોને કાચા માલનો ખર્ચ ઘટશે અને તેનાથી ફુગાવો પણ ઘટશે, એમ આર્થિક નિષ્ણાતોએ જણાવ્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક અર્થતંત્ર સમક્ષ ફુગાવો વધવાની ચિંતા વધી છે પરંતુ હવે તેમાં થોડો સુધારો થશે.
ગયા મે મહિનામાં દેશમાં રિટેલ (છૂટક) ફુગાવો 7.04 ટકા રહ્યો હતો જે આરબીઆઈના બેથી છ ટકાના સહ્ય સ્તર કરતાં ઘણો વધારે છે. 2022માં ચોમાસુ સામાન્ય રહેશે એવી ધારણાએ અને ક્રૂડ તેલના ભાવ (ઇન્ડિયન બાસ્કેટ) 105 ડૉલર પ્રતિ બેરલ થવાની ફુગાવો ઘટવાની આશા જાગી છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust