મુંબઈનાં તમામ પોલીસ સ્ટેશનોમાં હાઇ ઍલર્ટ

શિવસૈનિકો હિંસક બનવાની શક્યતા વચ્ચે 
મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા સંકટ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસે તમામ પોલીસ સ્ટેશનો વિશેષ રીતે મુંબઈની હદમાંના તમામ પોલીસ સ્ટેશનોમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. 
મહારાષ્ટ્ર પોલીસને એવી સૂચના મળી છે કે ભારે માત્રામાં શિવસૈનિકો રસ્તા ઉપર ઉતરી જવાના છે. તેઓ તોડફોડ અને હંગામો મચાવી શકે છે. એવામાં શાંતિ અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુથી તમામ પોલીસ સ્ટેશનોમાં એલર્ટ અપાયું છે. 
પોલીસ સૂત્રો અનુસાર શિવસેનાના કેટલાક નેતાઓએ શિવસૈનિકોને હંગામો કરવા અને તોડફોડ કરવા રસ્તા ઉપર ઉતરી જવાના આદેશ આપ્યા છે. મુંબઈ પોલીસ કોઇપણ હાલમાં રિસ્ક લેવા નથી માંગતી. તેથી તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ રહેવા જણાવી દેવાયું છે. દરમિયાન કેટલાક શિવસૈનિકોએ વિદ્રોહી વિધાનસભ્યોના કાર્યાલયોની તોડફોડ કરી છે. કાર્યાલયની બહાર મૂકાયેલા પોસ્ટરો ઉપર સ્યાહી ફેંકવામાં આવી હતી. તેમને ગદ્દાર જણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust