કેવાયસી ફ્રોડ કેસોનું પગેરું સુરતમાં મળ્યું : બે યુવાનોની ધરપકડ

મુંબઈ, તા. 24 : અૉનલાઇન ફ્રોડના બે જુદા જુદા કેસમાં મલબાર હિલ પોલીસે સુરત ખાતેથી બે  યુવાનોની ધરપકડ કરી હતી, જેઓ બૅન્ક કેવાયસીની વિગતો અપડેટ કરાવવાના બહાને લોકોના નાણાંની ઉચાપત કરતી મોટી ગૅંગના ભાગ છે.
અપરાધની રકમ જમા કરાવવા માટે પકડાયેલા આ બે યુવાનોના બૅન્ક ખાતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આ યુવાનોએ એવો દાવો કર્યો હતો કે, કાળા નાણાં ધોળા કરાવવા ઇચ્છતા લોકો અને કંપનીઓના નાણાં તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એવું તેમને કહેવામાં આવતું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રથમ કેસમાં સ્ટોક માર્કેટમાં કામ કરતાં 62 વર્ષના મલબાર હિલના વેપારીએ એફઆઈઆર નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તેને એક એસએમએસ આવ્યો હતો. જેમાં બૅન્કની કેવાયસી અપડેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, જો તે 24 કલાકની અંદર કેવાયસી અપડેટ નહીં કરે તો તેનું ખાતું બંધ કરી દેવામાં આવશે. જ્યારે તેણે એસએમએસમાં આપવામાં આવેલી લિંક પર ક્લીક કર્યું અને ત્યારબાદ બૅન્કના વિગતો ભરી અને ઓટીપી શેર કર્યું ત્યારે તેના ખાતામાંથી રૂપિયા 1.77 લાખ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
બીજા કેસમાં વાલકેશ્વરની 76 વર્ષની એક રહેવાસીને બૅન્કના કેવાયસી અપડેટ કરવાનું અને નેટ બૅન્કિંગનો ઉપયોગ કરીને થોડો ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીઓ તેને કોઈપણ ડેસ્ક એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું અને તેના ખાતામાંથી રૂપિયા 90 હજાર ગાયબ થઈ ગયા હતા. એપીઆઈ તુકારામ દીઘે અને સ્ટાફ જ્યારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું હતું કે, પોલીસ ટીમ સુરત ગઈ હતી અને તેણે યોગેશકુમાર (30) અને રવિ ઉનાદકર (35)ની ધરપકડ કરી હતી.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust