બળવાખોર 37 વિધાનસભ્યોએ શિંદેને નેતા જાહેર કર્યા

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : ગુવાહાટીમાં તંબું તાણીને બેઠેલા શિવસેનાના બધા 37 વિધાનસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલને પત્ર લખીને જણાવ્યું છે કે એકનાથ શિંદે જ તેઓના નેતા છે. તે પત્રમાં ભરત ગોગાવલેને સુનીલ પ્રભુના સ્થાને ચીફ વ્હીપ તરીકે નીમવામાં આવ્યા હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું હતું.
શિવસેનાના વ્હીપ સુનીલ પ્રભુએ બુધવારે સાંજે પાંચ વાગે બોલાવેલી બેઠકમાં હાજરી નહીં આપવા બદલ વિધાનસભ્યો વિરુદ્ધ પગલાં ભરવાની માગણી કરી તે અંગે પ્રતિક્રિયા કરતાં જણાવ્યું હતું કે આ બાબત માત્ર વિધાનસભાની કાર્યવાહી સંબંધે લાગુ પડે છે. તમે શા માટે અમને ધમકી આપો છો? અમે તમારી ચાલાકી સમજીએ છીએ કાયદો અમે પણ સમજીએ છીએ. બંધારણના દસમા પરિશિષ્ઠ અનુસાર અમે સંસદીય કામકાજ સંબંધે વ્હીપ લાગુ પાડી શકાય. તેને અન્ય કોઇપણ બેઠક માટે લાગુ પાડી શકાય નહીં તેથી વિપરીત અમે તમારી વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરશું. તમારી પાસે પૂરતા વિધાનસભ્યો નહીં હોવા છતાં તમે 12 વિધાનસભ્યોના જૂથની રચના કરી છે. આ પ્રકારની ધમકીથી અમે ગભરાતા નથી.
શિંદેને 14 અપક્ષોનો ટેકો એકનાથ શિંદેને 14 અપક્ષ વિધાનસભ્યોનો ટેકો મળી ચૂક્યો છે. પાંચ અપક્ષ વિધાનસભ્યો ગુરુવારે રાત્રે મુંબઈથી સુરત થઇને ગુવાહાટી જવા રવાના થયા હતા. રાજકુમાર પટેલ, ચંદ્રકાંત પાટીલ, નરેન્દ્ર ભોંડેકર, કિશોર જોર્ગેવાર, મંજુલા ગાવિત, વિનોદ અગ્રવાલ, ગીતા જૈન, બચ્ચુ કડુ અને રાજેન્દ્ર પેડ્રાવકર પહેલાં જ ગુવાહાટીમાં છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust