નવાસવા રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં દાઝ્યા પછી હવે સોનામાં પાછા ફર્યા

ઇબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 24 : તેજીવાળા પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) 1843 ડૉલર ઉપરના ભાવનું વ્યવધાન ફરીથી સાચવી ના શક્યતા, બજાર પર મંદીવાળાનો કબજો ફરી બળવાન થયો છે. સોનાના ભાવ શુક્રવારે, છેલ્લા પાંચ દિવસમાં, સૌથી નીચલા સ્તરે 1822.90 ડૉલર બોલાયા. અમેરિકન પીએમઆઈ (પ્રોડક્શન મેનેજર્સ ઇંડેક્સ) અને યુરોની નબળાઈ જોતાં, બુલિયનમાં રોકાણ અત્યારે પરંપરાગત રીતે જોખમ રહીત મનાય છે. અમેરિકન ડૉલરમાં લેણના આકર્ષણે, આખરે સોનાને એક જ દિવસમાં 1846 ડૉલરની ઊંચાઈએથી 23 ડૉલર નીચે જવા ફરજ પડી છે. 
સોનાએ અત્યારે તેની પ્રમાણમાં કુદરતી કહી શકાય તેવી 1800 અને 1850 ડૉલરની રેન્જબાઉન્ડ સાંકડી વધઘટ જાળવી છે. નાણાકીય બજારનું સેન્ટિમેન્ટ વેગથી નબળું પડ્યું છે. ત્યારે અલબત્ત, આ તબક્કે રોકાણકારોનો રસ સોનામાં રોકાણ માટે વધી શકે છે, એવું કેટલાંક કોમોડિટી એનાલીસ્ટો માની રહ્યા છે. કેટલાંક તો એવું માને છે કે અસંખ્ય રંગરૂટ રોકાણકારો, ક્રિપટોકરન્સીમાં દાજયા પછી હવે સોનામાં પાછા ફરવાનું વિચારવા લાગ્યા છે. 
તમામ દેશોની નવી આર્થિક નીતિની અસર આગામી મહિનાઓમાં શુ થાય છે, તે જોવાની પણ રોકાણકારોની આતુરતા વધી હોઇ, હમણાં સોનાના ભાવ રેન્જબાઉન્ડ રહેવાની સંભાવના વધી ગઈ છે. અલબત્ત ભારતમાં છેલ્લા છ મહિનામાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ રૂ. 2500 વધીને આજે રૂ. 50,775 થયા છે, જે જાન્યુઆરીમાં રૂ. 48,243 હતા. આનો અર્થ એ થાય કે સ્વદેશી બજારમાં 6 ટકાની વૃધ્ધિ થઈ છે, તેનું મૂળ કારણ ડૉલર સામે રૂપિયો 4.9 ટકા નબળો પડ્યો છે. 
આથી વિપરીત શૅરબજાર 2022 આરંભથી જ ઘટવાતરફી થઈ ગઈ હતી. નિફ્ટી 50 ઇંડેક્સ અત્યાર સુધીમાં 12 ટકા ઘટ્યો છે. ફુગાવા વૃધ્ધિ, અમેરિકન વ્યાજદર વધારો, રશિયા યુક્રેન યુદ્ધ, જેવા અનેક કારણો છતાં સોનાને કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશ નથી મળતા, આથી કયા ભાવએ દાખલ થવાનો સૂઝકો રોકાણકારને નથી પડતો. આવી અચોક્કસતાઓનું પ્રતાબિંબ અન્ય એસેટ્સ ક્લાસ, શૅરબજાર અને બોન્ડ સામે સોનામાં નગણ્ય છતાં, હકારાત્મક વળતરમાં જોવાઈ રહ્યું છે. બુલિયન બજાર પરના કબજા માટે તેજી અને મંદિવાળા સામસામી તલવાર કાઢીને ઊભા છે, તેથી પણ ભાવ સાંકડી વધઘટે અથડાય છે. 
2021માં બિટકોઇનના ભાવ 68,000 ડૉલરની ઐતિહાસિક ઊંચાઈએ ગયા, તેણે પણ સોનાની ચમક ઝાંખી પાડવાનું કામ કર્યું. ગત વર્ષે કેટલાંક એનાલિસ્ટોએ કહ્યું હતું કે બિટકોઇનની તેજીએ, સોનાના મૂલ્યાંકનમાં 200 ડોલરનો તફાવત પાડી દીધો છે. કેટલાંક રોકાણકારોને એવું લાગ્યું હતું કે સોના કરતાં બિટકોઇન અને અન્ય ક્રિપટોકરન્સીનું સંગ્રહ મૂલ્ય (સ્ટોર ઓફ વેલ્યૂ) વધુ છે. પણ હવે સેન્ટિમેન્ટ ઝડપથી બદલાયું છે, કારણ કે બિટકોઇનએ 18,000 ડૉલર અને એથેરીયમે 900 ડૉલરની નીચે તળિયા બનાવ્યા.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust