27મી જૂનથી 10 ટકા પાણીકાપ

જળાશયોમાં 10 ટકા કરતાં ઓછું પાણી
મુંબઈ, તા. 24 : જળાશયોમાં પાણીનું સ્તર 10 ટકાથી નીચે જતું રહ્યું છે ત્યારે પાલિકાએ 27મી જૂનથી 10 ટકા પાણીકાપ જાહેર કર્યો છે.
જૂન મહિનામાં જળાશયોના વિસ્તારમાં પડેલા અપૂરતા વરસાદને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.
મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં વર્તમાનમાં ફક્ત 10 ટકાથી પણ ઓછું પાણી શેષ રહ્યું છે. ગત બે વર્ષની સરખામણીમાં પાણીનો જથ્થો ઘટી ગયો છે. વહેલી તકે સંતોષજનક વરસાદ નહીં પડે તો મુંબઈગરાને પાણીકપાતનો સામનો કરવો પડી શકે છે. 
ગયા વર્ષે જળાશય વિસ્તારોમાં સારો વરસાદ પડયો હતો. ગત બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો જથ્થો સારો હતો. પરંતુ આ વર્ષે હજી સુધી વરસાદની શરૂઆત નહીં થતાં તળાવોનું પાણીનું સ્તર ઘટી ગયું છે. જળાશયોના વિસ્તારમાં હજી સુધી જોરદાર વરસાદ પડયો નથી. આથી આ જથ્થો દિવસે દિવસે વધુ ઘટી રહ્યો છે. એપ્રિલની શરૂઆતમાં જળાશયોમાં 40 ટકા પાણી હતું. હવે એ 10 ટકા પર પહોંચી ગયું છે. 
અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી તળાવમાંથી મુંબઈને દરરોજ 3800 એમએલડી પાણીપુરવઠો કરવામાં આવે છે. પહેલી અૉક્ટોબરે સાતે તળાવોમાંનો પાણીનો જથ્થો 14,47,363 એમએલડી લિટર પર પહોંચે તો આખું વર્ષ પૂર્ણ ક્ષમતાથી પાણીપુરવઠો કરી શકાય છે. ઉપરાંત તળાવમાં ઉપલબ્ધ પાણી 31 જુલાઈ સુધી ચાલે એ દૃષ્ટિથી પાલિકાના જળવિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. તળાવ પૂર્ણ ક્ષમતાથી ભરાય નહીં તો પાણીકપાત કરવાનો વારો આવે છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust