મુંબઈમાં જોખમી ઇમારતોમાં વધારો

મુંબઈ, તા. 24 : મુંબઈમાં આખા વર્ષમાં અતિજોખમી ઇમારતોની સંખ્યામાં 50નો વધારો થયો છે. આથી અતિજોખમી ઇમારતોની સંખ્યા હવે 337 પરથી 387 જેટલી થઈ છે. અતિવૃષ્ટિ વખતે આ ઇમારતો તૂટી પડવાનું જોખમ હોવાથી પાલિકાએ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા જણાવ્યું છે.
પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં મુંબઈ મહાનગરમાં રહેવાસી ઘરો અને બિન નિવાસી જગ્યાની તપાસ કરીને તેમની જોખમી અને અતિજોખમી શ્રેણી નક્કી કરવામાં આવે છે. એ મુજબ મુંબઈમાંની ઇમારતોનું સર્વેક્ષણ કરીને અતિજોખમી ઇમારતોની યાદી જાહેર કરવામાં આવી છે. મુંબઈની 30થી વધુ વર્ષ જૂની ઇમારતોનું સ્ટ્રક્ચરલ અૉડિટ કરાવવાનું પણ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. 
સ્કૂલોની અતિજોખમી ઇમારતો તોડી પડાશે
પાલિકાએ પોતાની વેબસાઈટ પર અતિજોખમી ઇમારતોની યાદી જાહેર કરી છે. ઉપરાંત અતિજોખમી ઇમારતો સંદર્ભે પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલનો ફોન નંબર-1916/ 22694725/ 22694727 ઉપર સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત પાલિકાએ વિવિધ સ્કૂલોની અતિજોખમી પાંચ ઇમારતો તોડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust