મુંબઈ લોકલ ટ્રેનમાંથી 18 વર્ષનો યુવાન થાંભલા સાથે અથડાઇને નીચે પટકાયો

મુંબઈ, તા. 24 (પીટીઆઇ) : ધસારાના સમયે ગુરુવારે સવારે દાનીશ હુસૈન ખાન (18) મુંબઈ લોકલ ટ્રેનમાં ભીડ હોવાથી દરવાજા ઉપર હોવાથી સિગ્નલના થાંભલા સાથે અથડાઇને નીચે પટકાયો હતો, એમ સરકારી રેલવે પોલીસ (જીઆરપી)એ જણાવ્યું હતું. કલવાના ભાસ્કર નગરમાં રહેતો દાનીશ ખાન ટ્રેનમાં ભારે ભીડ હોવાથી મોટર કોચ ઉપર અન્ય ત્રણ પ્રવાસીઓ સાથે પ્રવાસ કરી રહ્યો હતો, એવામાં તેણે સંતુલન ગુમાવતા તે થાણે અને કલવા સ્ટેશનોની વચ્ચે સવારે 9.30 વાગ્યે ટ્રેક ઉપર નીચે પટકાયો હતો. આ મામલે ડેક્કન કવીનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીએ વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં ખાન સિગ્નલ પોલ સાથે અથડાઇ ગયા બાદ ટ્રેક ઉપર નીચે પટકાયો હતો. ઘટનાના 20 મિનિટ બાદ જીઆરપી ત્યાં પહોંચી ગઇ હતી અને તેને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. ખાનને હાથ અને પગ ઉપર ઇજાઓ થઇ છે અને તેની હાલત સ્થિર છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust