આઘાડી સરકારે ચાર દિવસમાં હજારો કરોડ રૂપિયાના 289 સરકારી આદેશ બહાર પાડયા

ભાજપે રાજ્યપાલને પત્ર લખી હસ્તક્ષેપની માગ કરી
મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવાને પગલે મુસીબતમાં મુકાયેલી મહાવિકાસ આઘાડી સરકારે છેલ્લા ચાર દિવસમાં વિવિધ વિકાસકામો માટે હજારો કરોડ રૂપિયાના સરકારી આદેશ બહાર પાડયા છે. તેથી ભાજપે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પત્ર લખીને `શંકાસ્પદ' જણાતા આદેશોના `ધસારા' ઉપર અંકુશ મૂકવાની વિનંતી કરી છે.
ગત 17મી જૂને 107 તેમ જ 20મી અને 23મી જૂનની વચ્ચે 182 સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા હતા. સરકારની સત્તાવાર વેબસાઈટ ઉપર આ આદેશ જોઈ શકાય છે.
એકનાથ શિંદેના બળવાની વાત ગત 21મી જૂને સપાટી ઉપર આવી હતી. આમ છતાં તેમના અસંતોષની ગંધ શિવસેનાના સાથી પક્ષો - રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસને વહેલી આવી ગઈ હતી. સૂત્રોએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે આ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદે અને કેટલાક વિધાનસભ્યો દ્વારા સંભવિત બળવા વિશે આગોતરી માહિતી આપી હતી.
પાણીપુરવઠા અને સેનિટેશન ખાતાના પ્રધાન ગુલાબરાવ પાટીલ (શિવસેના) દ્વારા 17મી જૂને એક જ દિવસમાં 84 કરતાં વધારે સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા હતા. વિધાન પરિષદની ચૂંટણી માટે 20મી જૂને મતદાન થયું હતું તે પહેલાંના સપ્તાહના કામકાજના અંતિમ દિવસે શુક્રવાર હતો. તે દિવસે પાટીલે 84 સરકારી આદેશ જારી કર્યા હતા.
20મી જૂને 28, 21મીએ 66, 22મીએ 44 અને 23મીએ 43 સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડપણ હેઠળના સામાજિક ન્યાય, જળસ્રોત, ગૃહ, કૌશલ્ય વિકાસ, ગૃહનિર્માણ અને નાણાં ખાતા દ્વારા 70 ટકા સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા હતા. કૉંગ્રેસના અખત્યાર હેઠળના આદિવાસી વિકાસ, મહેસૂલ, જાહેર બાંધકામ, શાળા શિક્ષણ, અન્ય પછાત વર્ગો અને મસ્ત્યપાલન જેવા ખાતાઓ તરફથી પણ કેટલાક સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા છે.
અપક્ષ વિધાનસભ્ય શંકરરાવ ગડાખના અખત્યાર હેઠળના સોઈલ ઍન્ડ કોન્ઝર્વેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લગભગ 20 સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં શિવસેનાના નિયંત્રણ હેઠળના ખાતાઓ દ્વારા ફક્ત બે સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં સુભાષ દેસાઈના અખત્યાર હેઠળના ઉદ્યોગ ખાતા અને આદિત્ય ઠાકરેના અખત્યાર હેઠળના પર્યટન ખાતા દ્વારા બે સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા હતા. કૉંગ્રેસના નિયંત્રણ હેઠળના આદિવાસી વિકાસ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા બે સરકારી આદેશની કિંમત 1000 કરોડ રૂપિયા છે. નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ અંગે 319 કરોડ રૂપિયાનો સરકારી આદેશ બહાર પાડયો હતો.
ભાજપના આગેવાન અને વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને જણાવ્યું છે કે મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા લગભગ 160 જેટલા સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યા છે તે શંકાસ્પદ હોવાનું જણાય છે. તે આ બાબતે તમારે હસ્તક્ષેપ કરવો જોઈએ એમ દરેકરે ઉમેર્યું હતું.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust