હવે ભારતમાં જ થશે કારનો ક્રેશ ટેસ્ટ

હવે ભારતમાં જ થશે કારનો ક્રેશ ટેસ્ટ
સરકારે આપી લીલી ઝંડી
નવી દિલ્હી, તા. 24 : કેન્દ્ર સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે ભારત-એનસીએપી એટલે કે ભારતના નવા કાર અસેસમેન્ટ પ્રોગ્રામની શરૂઆત માટે લાવવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે.જેના હેઠળ કારને ક્રેશ ટેસ્ટના આાધારે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ટ્વિટ મારફતે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, ભારત-એનસીએપી એક ઉપભોક્તા કેન્દ્રીત મંચ હશે. જે ગ્રાહકોને સ્ટાર રેટિંગના આધારે સુરક્ષિત કારની પસંદગી કરવા, સુરક્ષિત વાહનોના નિર્માણ માટે ભારતમાં નિર્માતા વચ્ચ સ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને કારના મોડેલમાં વિભિન્ન માપદંડના આધારે ઉચ્ચ સુરક્ષા સ્તરોને સામેલ કરવાના વિકલ્પો પૂરા પાડશે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, ક્રેશ ટેસ્ટ પ્રોગ્રામના માધ્યમથી ભારતીય કારને આપવામાં આવેલા રેટિંગ કારમાં સંરચનાત્મક અને યાત્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે અને ભારતીય ઓટોમોબાઈલની નિકાસની યોગ્યતા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ગડકરીએ કહ્યું હતું કે, ભારત એનસીએપી પ્રોગ્રામના પરિક્ષણ પ્રોટોકોલને વૈશ્વિક ક્રેશ પ્રોટોકોલ સાથે જોડવામાં આવશે અને વાહન નિર્માતાઓને ભારતની પોતાની ઈન હાઉસ સુવિધામાં પરિક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું હતું કે, ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ભારતને દુનિયામાં નંબર વન ઓટામોબાઈલ હબ બનાવવામાં પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની બની રહેશે. 
ઉલ્લેખનીય છે કે ગડકરીએ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ભારત એનસીએપીની માહિતી સંસદમાં આપી હતી. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત ન્યુ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ કારની સ્ટાર રેટિંગ માટેની યોજના તૈયાર કરી રહ્યું છે અને આ માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust