મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સાત શક્યતા

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સાત શક્યતા
મુંબઈ, તા. 24  : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેના  નેતૃત્વ હેઠળની આઘાડી સરકારનું સંકટ નિર્ણાયક અને રોમાંચક તબક્કે પહોંચ્યું છે. શિવસેનાના વિદ્રોહી નેતા અને પ્રધાન એકનાથ શિંદેએ આસામના ગુવાહાટીની હૉટેલમાં પોતાની સાથે રહેલા 49 વિધાનસભ્યોની તસવીર સોશ્યલ મીડિયા પર વહેતી કરી છે. અહીં મુંબઈમાં શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે, શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથેની સત્તાની યુતિ તોડવા તૈયાર છે. બસ શિંદે મુંબઈ આવીને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરે. બીજી તરફ એવા પણ સમાચાર મળ્યા છે કે ભાજપે શિંદેને સરકાર બનાવવા અને ટેકો આપવાની અૉફર કરી છે. સૌથી મોટો સવાલ એ છે કે મહારાષ્ટ્રમાં હાલની આઘાડી સરકારનું ભવિષ્ય શું છે? રાજકીય વિશ્લેષકોના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં સાત શકયતા જોવાઇ રહી છે. 
શિંદે શિવસેના પર દાવો કરી શકે : એકનાથ શિંદે ગુવાહાટીમાં જ શિવસેનાના વિધાયક દળના નેતા બનીને વિધાનસભાના અધ્યક્ષને ઇમેલ કરીને કે પત્ર પાઠવીને વિધાનસભામાં પોતાના જૂથને અસલી શિવસેના ઘોષિત કરવાની માગણી કરી શકે, આવી સંભાવના પણ વધુ છે. જોકે, આમાં એક અડચણ એ છે કે છેલ્લા આઠ મહિનાથી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ખુરસી જ ખાલી છે અને રાષ્ટ્રવાદીના નરહરિ સિતારામ ઝીરવાલ નાયબ અધ્યક્ષ છે. જો રાષ્ટ્રવાદી સાથેની યુતિ ઉદ્ધવ ઠાકરે ન તોડે તો શિંદેનો શિવસેના પરના દાવાની અપીલ લટકી શકે છે. 
શિંદે સરકાર રચવાનો દાવો કરી શકે : એકનાથ શિંદે રાજ્યપાલ સમક્ષ ભાજપના સમર્થનથી સરકાર રચવાનો દાવો કરી શકે છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી હાલમાં કોરોના સંક્રમિત છે, પરંતુ આવા સંજોગોમાં તેઓ ઉદ્ધવ સરકારને વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનું કહી શકે છે. આ શક્યતામાં પણ વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા મહત્ત્વની બની રહેશે, કેમ કે તેઓ શિવસેનાની અપીલ પર શિંદે જૂથને પાર્ટી બદલવાના કાનૂન અંતર્ગત ફસાવી શકે છે. 
શિવસેનાએ વિદ્રોહીઓને મુંબઈ બોલાવ્યા : ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે હાલમાં તો માત્ર 13 વિધાનસભ્યો છે. આજે આ વિધાનસભ્યો સાથેની બેઠક બાદ રાઉતે કહ્યું હતું કે શિવસેના કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથેની યુતિ તોડવા તૈયાર છે. બસ શિંદે મુંબઈ પરત આવીને ઠાકરે સાથે વાતચીત કરે. વિદ્રોહીઓને ગમે એ રીતે મુંબઈ બોલાવી યેનકેન પ્રકારે પોતાની તરફેણમાં કરવાની છુપી ઇચ્છા ઉદ્ધવ ઠાકરેના જૂથની હોઇ શકે છે. વિશ્લેષકોના માનવા પ્રમાણે ઉદ્ધવ જૂથ પાસે આ આખરી વિકલ્પ છે, જે એમને રાહત આપી શકે, પરંતુ આના માટે શિંદે તૈયાર થવા જોઇએ, જે હાલમાં નથી દેખાતું. 
કાર્યકારી રાજ્યપાલ નિમાય શકે : હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી કોરોના સંક્રમિત હોવાથી કેન્દ્ર ગોવાના રાજ્યપાલ શ્રીધરન પિલ્લઇને મહારાષ્ટ્રનો કારભાર સોંપી શકે છે. કોરોના પ્રોટોકોલ તોડયા વગર પિલ્લઈ શિંદે સમર્થકોની પરેડ ગોવામાં કરાવી શકે. એના કારણે ઉદ્ધવ જૂથ શિંદેના જૂથમાં તોડફોડ ન કરાવી શકે. આવા સંજોગોમાં રાજકીય તખતો થોડા સમય માટે ગોવામાં ખસેડાય શકે.
મામલો અદાલતમાં જઇ શકે :  વિધાનસભામાં વિશ્વાસનો મત કે નવી સરકાર બનાવવાની વાત ગૂંચવાય એટલે શિંદે કે ભાજપ અદાલતમાં જઇ શકે છે. આવા મામલાઓમાં સામાન્ય રીતે હાઇ કોર્ટ કે સુપ્રમી કોર્ટ નિશ્ચિત શરતો સાથે ચોક્કસ સમયમાં વિશ્વાસના મત સંબંધી આદેશ આપતી હોય છે. મહારાષ્ટ્રના મામલામાં પણ આ શક્યતા વધુ જોવાઇ રહી છે. 
ભાજપ સરકાર રચવાનો દાવો કરી શકે : ભાજપ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિદ્રોહી વિધાનસભ્યોના સમર્થન સાથે સિધા રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરી શકે. આ મામલામાં પણ રાજ્યપાલ વિશ્વાસનો મત મેળવવાનો આદેશ આપી શકે. ઉદ્ધવ સરકાર પાસે પૂરતા વિધાનસભ્યો નહીં હોય એવી સ્થિતિમાં તેઓ વિશ્વાસનો મત નહીં જીતી શકે એટલે ભાજપ શિંદે જૂથ સાથે મળીને સરકાર બનાવી શકે.
ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે : હાલમાં ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે એવી શક્યતા ઓછી છે. કેમ કે જો મુખ્ય પ્રધાનપદેથી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે તો શિંદે અને ભાજપનું કામ સરળ બની જાય એમ છે. રાજ્યપાલ સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી શકે અને શિંદે જૂથના ટેકાથી સરળતાથી સરકાર બની શકે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust