મૈનપુરીના ખેતરમાંથી મળ્યા દ્વાપર યુગનાં હથિયાર

મૈનપુરીના ખેતરમાંથી મળ્યા દ્વાપર યુગનાં હથિયાર
મહાભારતના યુદ્ધમાં વપરાયાં હશે આવાં હથિયાર?
મૈનપુરી, તા. 24  : ઉત્તર પ્રદેશના મૈનપુરીના એક ખેતરમાંથી ચાર હજાર વર્ષ જૂના હથિયારો મળતા પુરાતત્વવિદોની ઉત્સુકતા વધી છે. આ હથિયારોને ભગવાન શ્રીકૃષ્ણના સમયના અર્થાત દ્વાપર યુગના હોવાનું મનાય છે. ત્રાંબાના બનેલા આ હથિયારોના પરિક્ષણ બાદ જે પરિણામો મળ્યા છે એનાથી પુરાતત્વવિદોની ઉત્સુકતા વધી છે. 
પ્રાચીનકાળમાં પણ ભારતમાં યોદ્ધાઓ પાસે એ સમયના આધુનિક હથિયારો હતા એ શાસ્ત્રો પરથી જાણવા મળે છે. હથિયારોમાં ચાર ફૂટ લાંબી તલવારો છે અને એના આકાર અને ડિઝાઇન પણ અનોખી છે, જેમાં સ્ટાર ફિશની ડિઝાઇનના હથિયારો ઉત્સુકતાનું કારણ છે. જો કે મુખ્ય સવાલ તો એ છે કે શું આ  હથિયારોનો ઉપયોગ કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં થયો હશે? આનો જવાબ તો કેટલાક વધુ પરિક્ષણો બાદ જ મળશે. 
જૂનના પહેલા અઠવાડિયામાં મૈનપુરીના ગણેશપુર ગામનો એક ખેડૂત પોતાનું બે વિઘાનું ખેતર ખેડી રહ્યો હતો અને ઉબડ-ખાબડ જમીન સમતલ કરી રહ્યો હતો ત્યારે તેને ત્રાંબાની તલવારો અને ભાલા કે તીર જેવા અણીદાર હથિયારો મળ્યા હતા. ખેડૂતને લાગ્યું કે આ સોના કે ચાંદીના બનેલા છે તેથી એ હથિયારો પોતાના ઘરે લઇ ગયો હતો. જોકે, આસપાસના વિસ્તારમાં આ વાત ફેલાતા કોઇએ સ્થાનિક પોલીસને સૂચના આપી હતી, જેના પગલે પુરાતત્વ વિભાગની ટીમ સર્વેક્ષણ માટે આવી હતી. 
પુરાતત્વ વિભાગની ટીને કેટલાક પરિક્ષણો બાદ જણાવ્યું હતું કે ત્રાંબાના બનેલા આ હથિયારો ચારેક હજાર વર્ષ જૂના છે અને એ દ્વાપર યુગના હોવાનું લાગી રહ્યું છે. પુરાતત્વ ટીમના નિર્દેશક ભુવન વિક્રમે જણાવ્યું હતું કે, જેમ હડપ્પા કાળમાં કાંસાના વાસણ અને હથિયારો હતા, એમ આ હથિયારો કોપર એજ (તામ્ર કાળ)ના છે.
ટીમના અન્ય એક અધિકારી પુરાતત્વવિદ રાજકુમાર પટેલના જણાવ્યા પ્રમાણે આ હથિયારો એક મોટી શોધ સાબિત થઇ શકે છે. તેમનું કહેવું છે કે આટલા બધાં હથિયારો માત્ર એક સ્થળેથી મળ્યા એ સૂચવે છે કે હથિયારોનો આ જથ્થો ક્યાંક લઇ જવાતો હશે કે પછી એ સમયે ત્યાં જ હથિયારો બનતા હશે. એ શોધનો વિષય છે. અલિગડ મુસ્લિમ યુનિવર્સિટીના ઇતિહાસકાર અને પુરાતત્વવિદ પ્રૉ. માનવેન્દ્ર પુંધીરના જણાવ્યા પ્રમાણે આ હથિયારોનો ખજાનો કોઇ મોટા યુદ્ધ માટે હતો કે શિકાર માટે સાચવી રાખવામાં આવ્યો હશે એવું લાગે છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust