રાષ્ટ્રપતિની ચૂંટણી : દ્રૌપદી મુર્મુની ઉમેદવારી; વડા પ્રધાન બન્યા પ્રસ્તાવક

રાષ્ટ્રપતિની ચૂંટણી : દ્રૌપદી મુર્મુની ઉમેદવારી; વડા પ્રધાન બન્યા પ્રસ્તાવક
મુર્મુએ વિપક્ષનું સમર્થન પણ માગ્યું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.24: ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધન તરફથી દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકન દાખલ કરી દીધું છે. તેમની ઉમેદવારી નોંધણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે રહ્યાં હતાં. દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક રહ્યાં છે. દરમિયાન આજે મુર્મૂએ કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને એનસીપીનાં વડા શરદ પવાર સાથે વાત કરી હતી અને આ દરમિયાન તેમણે ચૂંટણીમાં વિપક્ષી દળોનું સમર્થન માગ્યું હતું. જો કે વિપક્ષી નેતાઓ તરફથી કેવું આશ્વાસન આપવામાં આવ્યું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. જો કે આજની આ વાતચીત પછી મુર્મૂની નિર્વિરોધ ચૂંટણીની સંભાવના અંગે પણ ચર્ચા અને અટકળો શરૂ થઈ ગઈ હતી.
દ્રૌપદી મુર્મૂ દ્વારા 4 સેટમાં નામાંકન દાખલ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સેટમાં વડાપ્રધાન મોદી તેમનાં પ્રસ્તાવક બન્યા છે. આ ઉપરાંત અમિત શાહ, રાજનાથ સિંહ સહિત ભાજપ સંસદીય દળનાં સદસ્યો દ્વારા તેમના નામને અનુમોદન આપવામાં આવ્યું છે. નામાંકનની વિધિ દરમિયાન જે.પી.નડ્ડા, અમિત શાહ અને કેન્દ્ર સરકારનાં અન્ય ઘણાં પ્રધાનો પણ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્ય પ્રધાનો યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, હિમંત બિસ્વા સરમા, પુષ્કરસિંહ ધામી સહિતનાં હાજર રહ્યાં હતાં. ભાજપનાં નેતાઓ ઉપરાંત વાયએસઆર કોંગ્રેસનાં વિજયસાઈ રેડ્ડી, ઓરિસ્સાની બીજેડી સરકારનાં બે પ્રધાનો અને નેતા સસ્મિત પાત્રા, અન્નાદ્રમુકનાં નેતા ઓ.પનીરસેલ્વમ સહિતનાં સહયોગી દળોનાં પ્રતિનિધિઓએ પણ આ તકે હાજરી આપી હતી. દ્રૌપદી મુર્મૂએ નામાંકન દાખલ કરતાં પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust