ગુજરાત રમખાણના કેસમાં મોદીની આરોપમુક્તિને પડકારતી અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ

ગુજરાત રમખાણના કેસમાં મોદીની આરોપમુક્તિને પડકારતી અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ
ઝાકિયા જાફરીની દાનત ખોટી
નવી દિલ્હી, તા.24 : ગુજરાતમાં 2002નાં કોમી રમખાણોનાં કેસમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(સીટ) તરફથી આપવામાં આવેલી ક્લિનચીટને પડકારતી તોફાનોમાં મૃત્યુ પામેલા કોંગ્રેસનાં સાંસદ અહેસાન જાફરીનાં વિધવા ઝાકિયા જાફરીની અરજી આજે દેશની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી અને મોદીને મળેલી ક્લિનચીટ  માન્ય રાખી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આવી અરજીનાં ઈરાદા સામે ગંભીર સવાલ ઉઠાવતા અરજદારની ઝાટકણી પણ કાઢી હતી અને કહ્યું હતું કે, આ કડાઈને ડહોળ્યા કરવાની કોશિશ માત્ર છે અને તેનો ઈરાદો ખોટો છે.
નરેન્દ્ર મોદીને ગુજરાતનાં રમખાણોમાં ક્લિનચીટ આપતાં એસઆઈટીનાં અહેવાલને ઝાકિયા જાફરીએ 2018માં પડકાર્યો હતો. જેનાં ઉપર સુનાવણી કરતાં જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, દિનેશ માહેશ્વરી અને સી.ટી.રવિકુમારની પીઠે 9 ડિસેમ્બર 2021નાં રોજ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે દંગાની તપાસનાં સમાપન અહેવાલ એટલે કે ક્લોઝર રિપોર્ટમાં કુલ મળીને 64 લોકોને ક્લિનચીટ આપી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઝાકિયા જાફરીનાં પતિ અહેસાન જાફરીનું ગુલબર્ગ સોસાયટીમાં દંગા દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. આ તોફાનને સુયોજિત સાજિશ ગણાવીને જાફરીએ 2006માં ફરિયાદ દર્જ કરાવી હતી. વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે આ આરોપોની તપાસ માટે એસઆઈટીને જવાબદારી સોંપી હતી. 2012માં એસઆઈટી દ્વારા ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવેલો. જેને પહેલા નીચલી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો અને ત્યાં અરજી ખારિજ થઈ ગઈ હતી. પછી હાઈકોર્ટમાં આનાં માટે અપીલ કરવામાં આવેલી. ત્યાં પણ ઓક્ટોબર 2017માં અરજી નકારી દેવાઈ હતી. ત્યારબાદ 2018માં સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવવામાં આવેલા. આ મામલે 14 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. અરજદાર તરફથી કપિલ સિબલ અધિવક્તા હતાં. જ્યારે રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્યુ હતું. તો વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી એસઆઈટી તરફથી કોર્ટમાં પેશ થયા હતાં. 
આજે આ અરજીનો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીનો ઉધડો લીધો હતો. કોર્ટ આ અરજી ઉપર એટલી ઉકળી ગઈ હતી કે અરજદારને એવું કહેવામાં આવ્યું હતું કે, આ માત્ર કડાઈને ડહોળવાનાં પ્રયાસ છે અને તેનો ઈરાદો જ ખોટો છે. પ્રક્રિયાનાં આવા દુરુપયોગમાં સામેલ તમામ લોકોને કઠેડામાં ઉભા રાખી દેવાની જરૂર છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ઝાકિયા જાફરીની અરજી અન્ય કોઈની દોરવણીથી પ્રેરિત હોવાનું પણ કોર્ટે ઝાટકીને કહ્યું હતું. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust