સમાધાન નહીં, હવે સંગ્રામ

સમાધાન નહીં, હવે સંગ્રામ
વિદ્રોહીઓને ઉદ્ધવ ઠાકરેનું આખરીનામું 
શિવસેના સડકો પર ઉતરશે, કાનૂની લડાઈ પણ લડશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મહાવિકાસ આઘાડી સરકાર ઉપર આવી પડેલી મુસીબતને પગલે મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે આક્રમક વલણ અપનાવીને જણાવ્યું છે કે મેં `વર્ષા' બંગલો છોડયો છે, પણ સંઘર્ષ નથી છોડયો. બળવાખોરોએ સર્જેલા પડકારનો મુકાબલો કરવાનો મારો નિર્ધાર પાકો છે. શિવસેના અને બળવાખોરો વચ્ચેનો હવે સંગ્રામ શેરીઓમાં, અદાલતમાં અને વિધાનસભામાં ખેલાશે એ સ્પષ્ટ થયું છે.
શિવસેનાએ `વ્હીપ'ના ઉલ્લંઘન બદલ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલને પત્ર લખીને બાર બળવાખોર વિધાનસભ્યને અપાત્ર ઠેરવવાની વિનંતી કરી છે. તેના જવાબમાં બળવાખોર નેતા એકનાથ શિંદેએ ગુવાહાટીથી સંખ્યાબંધ ટવીટ દ્વારા જણાવ્યું છે કે અમે શિવસૈનિક છીએ અને કાયદો જાણીએ છીએ. અમને ડરાવશો નહીં. પક્ષની બેઠક માટે નહીં પણ વિધાનસભાની કાર્યવાહી માટે જ `વ્હીપ' બંધનકારક હોય છે. આ બાબતે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની જાણકારી અમારી પાસે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે આજે જણાવ્યું હતું કે અમે હાર માનવાના નથી. વિધાનસભામાં મતદાન થશે ત્યાં જીતશું. રસ્તા ઉપરની લડાઈ પણ જીતશું. બળવાખોરો વિરુદ્ધની લડત હવે શેરીઓમાં લઈ જવાશે. જેઓને અમારો મુકાબલો કરવો છે તેઓ અહીં આવીને કરે એમ રાઉતે ઉમેર્યું હતું. બીજી તરફ શિવસૈનિકોએ આજે કુર્લામાં બળવાખોર વિધાનસભ્ય મંગેશ કુડાલકરની કચેરીમાં તોડફોડ કરી હતી. તેથી આગામી એકાદ બે દિવસમાં મુંબઈમાં અને શેષ મહારાષ્ટ્રમાં શિવસૈનિકો બળવાખોર નગરસેવકોની કચેરીઓને નિશાન બનાવે કે તોડફોડ કરે એવી સંભાવના છે.
શિવસેનાએ બળવાખોર નેતા શિંદેને વિધાનમંડળ પાંખના નેતા દૂર કરવા માટે અને બળવાખોર વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટે વિનંતી કરી છે. બીજી તરફ બળવાખોર જૂથે શિવસેનાના મુખ્ય વ્હીપ તરીકે સુનીલ પ્રભુને હટાવીને ભરત ગોગાવલેને નીમ્યા હોવાની તેમ જ 41 સભ્યોના જૂથના નેતા એકનાથ શિંદે હોવાનો પત્ર ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલને આપ્યો છે. તેના પગલે આજે વિધાન ભવનમાં પણ આખો દિવસ ચહલપહલ જોવા મળી હતી. આ વિવાદમાંથી માર્ગ કાઢવા જીરવાલે આજે મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ, સંસદીય સચિવ રાજેન્દ્ર ભાગવત અને રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણી સાથે ચર્ચા કરી હતી.
પવાર, ઠાકરે વચ્ચે બે કલાક મંત્રણા
રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારે આજે સાંજે `માતોશ્રી' ખાતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. પવાર સાંજે 6.30 વાગે `માતોશ્રી' પહોંચ્યા હતા અને 8.20 વાગે બહાર નીકળ્યા હતા. બે કલાક થયેલી ચર્ચા વિશે શિવસેના અથવા રાષ્ટ્રવાદી દ્વારા ઔપચારિક રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. આમ છતાં તેઓએ `આઘાડી' સરકાર ઉપર આવી પડેલી આફત વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. હવે પવાર બળવાખોર વિધાનસભ્યોને ગુવાહાટીથી મુંબઈ લાવવા સક્રિય થશે એમ જણાય છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust