રણજી ટ્રૉફીમાં પહેલીવાર મધ્યપ્રદેશ ચૅમ્પિયન

રણજી ટ્રૉફીમાં પહેલીવાર મધ્યપ્રદેશ ચૅમ્પિયન
41 વખતની ચૅમ્પિયન મુંબઈ સામે 6 વિકેટે ઐતિહાસિક વિજય : રજત પાટીદાર ઝળક્યો
બેંગ્લુરુ, તા.26 : રણજી ટ્રોફીના ફાઇનલમાં મધ્યપ્રદેશે ઈતિહાસ રચતા 41 વખતની ચેમ્પિયન મુંબઈ ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. એમપીના વિજયમાં રજત પાટીદારની મહત્ત્વની ભૂમિકા રહી જેણે બન્ને ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અગાઉ વર્ષ 1999માં ચંદ્રકાંત પંડિતની આગેવાનીમાં ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને કર્ણાટક સામે તેનો 96 રને પરાજય થયો હતો.
મધ્યપ્રદેશે પહેલીવાર રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલમાં મુંબઈએ 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાંચમા દિવસની શરૂઆતમાં પહેલા સત્રમાં જ મુંબઈએ પોતાની બાકીની 8 વિકેટ ગુમાવી હતી. જેને પગલે મુંબઈની બીજી ઇનિંગ 269માં સમેટાઈ હતી. સરફરાજે 45 અને સુકાની પૃથ્વી શૉએ 44 રન બનાવ્યા હતા. એમપી વતી કુમાર કાર્તિકેયે સૌથી વધુ 4 વિકેટ ખેડવી હતી. રણજી ટ્રોફીના 87 વર્ષના ઈતિહાસમાં એમપીએ બીજીવાર ફાઇનલ રમ્યો હતો. સેમીફાઇનલમાં તેણે બંગાળને 174 રને હરાવ્યું હતું જ્યારે મુંબઈએ યુપીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
108 રનનો લક્ષ્યાંક એમપીએ સરળતાથી સાધ્યો હતો. બીજી ઇનિંગમાં હિંમાંશુ મંત્રીએ સૌથી વધુ 37 રનનું યોગદાન આપ્યું. શુભમ શર્મા અને રજત પાટીદારે 30-30 રન બનાવી જીત નિશ્ચિત કરી હતી. ટોસ જીતી પહેલા બેટિંગ લેતાં મુંબઈએ પહેલી ઇનિંગમાં 374 રન બનાવ્યા હતા. જવાબમાં મધ્યપ્રદેશે પહેલી ઇનિંગમાં 536 રન બનાવ્યા હતા અને 162 રનની સરસાઈ મેળવી હતી. રજત પાટીદારે 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી. યશ દુબે અને શુભમ શર્માએ પણ સદી ફટકારી હતી.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust