આયર્લેન્ડ વિરુદ્ધ ટી-20માં વરસાદનું વિઘ્ન

આયર્લેન્ડ વિરુદ્ધ ટી-20માં વરસાદનું વિઘ્ન
ભારતે ટોસ જીતી દાવ આપ્યો : સુપર ફાસ્ટ બોલર ઉમરાન મલિકને તક
ડબલિન, તા. 26 : સુકાની હાર્દિક પંડયા અને હેડ કોચ વીવીએસ લક્ષ્મણના નેતૃત્વમાં ભારતીય યુવા ટીમ રવિવારે ભારતીય સમય મુજબ રાત્રે 9 કલાકથી આયર્લેન્ડ વિરુદ્ધ પહેલા ટી 20 મુકાબલામાં મેદાનમાં ઉતરી હતી. ભારતે ટોસ જીતી દાવ આપ્યા બાદ વરસાદ તૂટી પડતાં મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. આઈપીએલના સ્ટાર ખેલાડી-ઝડપી બોલર ઉમરાન મલિકને પ્લેઈંગ 11માં સમાવાયો છે. વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વકપ રમાવાનો છે જે માટે કોર ગ્રુપ તૈયાર કરવામાં આ શ્રેણી મહત્ત્વની બની રહેશે. બે ટી 20ની શ્રેણી રમવા ભારતીય બી ટીમ આયર્લેન્ડના પ્રવાસે છે. ભારત વતી હાર્દિક પંડયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમનું સુકાન સંભાળવાની શરૂઆત કરી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને ભારતીય ટીમના ભાવિ સુકાની તરીકે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. મેચમાં તેની રણનીતિ પર સિલેક્ટરોની નજર રહેશે. ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને સિનિયરોની ગેરહાજરીમાં પરફોર્મ કરવાની મોટી તક સાંપડી છે. 

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust