ડીમેટ એકાઉન્ટ્સને જૂન આખર સુધીમાં ટૅગ કરવા સેબીનો બ્રોકર્સને આદેશ

મુંબઈ, તા. 26 : સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ શૅરબજારના બ્રોકર્સના તમામ અનટેગ ડીમેટ એકાઉન્ટ્સને જૂનના અંત સુધીમાં ટેગ કરવા કહ્યું  છે. આનો અર્થ એ કે 1 જુલાઈથી ક્લાયન્ટના ડીમેટ ખાતામાં સિક્યોરિટીઝ જમા નહીં થાય. 
સોદાને ટેગ કરવાનો અર્થ એટલો જ છે કે એક જ દસ્તાવેજમાં તમામ સોદાઓની અને તેના રોકાણના હેતુની નોંધ થાય. જોકે, કંપનીઓ દ્વારા આપવામાં આવતા ડિવિડન્ડ અને બોનસ કે રાઈટ શૅરના લાભ શેરહોલ્ડરના એકાઉન્ટમાં જમા થતા રહેશે. 
બૅન્ક અને ડીમેટ ખાતાઓનું ટેગિંગ કરવાનો હેતુ એ છે કે બ્રોકર જે ક્લાયન્ટ માટે તેમના બૅન્ક અને ડીમેટ ખાતાઓ જાળવતો  હોય તેવા ખાતાઓની જાણ સ્ટોક એક્સચેન્જો અને ડિપોઝિટરીઝને થતી રહે. 
સેબીએ વધુમાં જણાવ્યું છે કે અૉગસ્ટથી ટેગ કર્યા વિનાના  ડીમેટ ખાતામાંથી શૅર ઉપાડવાની મંજૂરી પણ નહીં મળે. તેથી 1 અૉગસ્ટથી સ્ટોક બ્રોકરે ક્લાયન્ટના એકાઉન્ટને ટેગ કરવા માટે સ્ટોક એક્સચેન્જની  પરવાનગી મેળવવી પડશે. એક્સચેન્જોએ દંડ લગાવીને બે દિવસમાં આ મંજૂરી આપશે. 
જોકે, આ જોગવાઈ એવા ડીમેટ એકાઉન્ટ્સ માટે લાગુ નહીં થાય જેનો ઉપયોગ ફક્ત બૅંન્કિગ પ્રવૃત્તિઓ માટે સ્ટોક બ્રોકર્સ દ્વારા કરવામાં આવતો હોય. 
અત્યારે સ્ટોક બ્રોકરોએ માત્ર પાંચ કેટેગરી માટે ડીમેટ એકાઉન્ટ જાળવવા પડે છે - માલિકીનું ખાતું, પૂલ એકાઉન્ટ, ક્લાયન્ટ અનપેઇડ સિક્યોરિટીઝ, ક્લાયન્ટ સિક્યોરિટીઝ માર્જિન પ્લેજ એકાઉન્ટ અને માર્જિન ફાંડિંગ એકાઉન્ટ હેઠળ ક્લાયન્ટ સિક્યોરિટીઝ. 
સેબીના નિયમો હેઠળ, સ્ટોક બ્રોકરના માલિકીના ડીમેટ એકાઉન્ટ્સને `સ્ટોક બ્રોકર પ્રોપ્રાઈટરી એકાઉન્ટ' તરીકે નામ આપવું એ સ્વૈચ્છિક છે અને જે એકાઉન્ટ્સ ટેગ કર્યા નથી તે માલિકીનું માનવામાં આવશે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust