દેશમાં 75 ટન સોનાનું રિસાઈક્લિંગ થયું

મુંબઈ, તા. 26 : 2021માં ભારતે 75 ટન સોનાનું રિસાઈકલિંગ કર્યું હતું, જેને લઈને ભારત વિશ્વમાં સૌથી વધુ સોનાનું રિસાઈકલિંગ કરનારો ચોથા ક્રમનો દેશ બની ગયો છે તેવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)એ એક અહેવાલમાં જણાવ્યું છે.
ડબ્લ્યુજીસીએ પ્રસિદ્ધ કરેલા `ગોલ્ડ રિફાઈનિંગ ઍન્ડ રિસાઈકલિંગ' નામના અહેવાલમાં જણાવ્યું છે કે 168 ટન સોનાના રિસાઈકલિંગ સાથે ચીન વિશ્વમાં પ્રથમ નંબરે, 80 ટન સાથે ઈટાલી બીજા નંબરે તથા 78 ટન સાથે અમેરિકા ત્રીજા નંબરે આવે છે. 75 ટન સોનાના રિસાઈકલિંગ સાથે ભારત ચોથા ક્રમાંકે આવે છે. 2013માં ભારતની સોનાની રિફાઈનિંગ અને રિસાઈકલિંગ કરવાની ક્ષમતા 300 ટન હતી, જે 2021માં 500 ટકા વધીને 1500 ટન થઈ ગઈ હતી.
છેલ્લા દાયકામાં ભારતમાં સોનાના રિફાઈનિંગ અને રિસાઈકલિંગનો વ્યાપ વધ્યો છે. 2013માં આ ક્ષેત્રમાં પાંચ પ્રમાણિત કંપનીઓ હતી, જે 2021માં વધીને 33 થઈ હતી.
અત્રે નોંધનીય છે કે સરકારે પ્રદૂષણ સામે કડક વલણ લીધું. ત્યાર બાદ સોનાના રિફાઈનિંગ તથા રિસાઈકલિંગ ક્ષેત્રની પ્રમાણિત કંપનીઓનું કામકાજ વધી ગયું છે. અસંગઠિત ક્ષેત્રે બીજા 300થી 500 ટન જેટલું કામકાજ થાય છે, પરંતુ નવી નીતિના કારણે તે ઘટતું જાય છે.
રફ તથા શુદ્ધ સોનાની આયાત પરના કરવેરા જુદાજુદા હોવાને કારણે 2013માં સોનાની કુલ આયાતમાં રફ સોનાનું પ્રમાણ માત્ર ત્રણ ટકા હતું તે 2021માં વધીને 22 ટકા થયું હતું.
સોનાની બજારમાં જવાબદારીભરી ખરીદી, બિસ્કિટની નિકાસ અને અશુદ્ધ સોનું અથવા જૂના દાગીનાનો અવિરત પુરવઠો મળી રહે તેવા સુધારા થાય તો ભારત સોનાના રિફાઈનિંગ તથા રિસાઈકલિંગના ક્ષેત્રમાં યોગ્ય સ્પર્ધા કરી શકે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ સોમાસુંદરમ પીઆરે જણાવ્યું હતું.
ડૉલર સામે રૂપિયાની વધઘટ તથા આર્થિક પ્રવાહોની અસર સોનાના રિફાઈનિંગ તથા રિસાઈકલિંગના ક્ષેત્ર પર થતી હોય છે. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (જીએમએસ) તથા અન્ય આકર્ષક યોજનાઓ મારફત વધારાનું સોનું દેશના મુખ્ય પ્રવાહમાં આવી શકે તથા સોનાની પ્રવાહીતા વધી શકે તેમ સોમાસુંદરમ પીઆરે જણાવ્યું હતું. યુવાન ગ્રાહકો સોનાના આભૂષણની ડિઝાઈન જલદીથી બદલતા હોવાથી પણ રિસાઈકલિંગ વધતું હોય છે.
જ્યારે બીજી તરફ અર્થતંત્રની મજબૂતીને કારણે સારી આવક ધરાવતા લોકો પોતાના જૂના આભૂષણો વેચવાને બદલે તેને ગિરવી મૂકીને જાળવી રાખતા હોય છે.
સંગઠિત રિફાઈનિંગને ટેકો આપવા માટે વધુ સારી પ્રોત્સાહન યોજનાઓ તેમ જ ટેક્નૉલૉજી આધારિત ઉપાયો જરૂરી છે. આ સાથે સોનાનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે પણ જોવું જોઈએ.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust