ગાંસડી દીઠ રૂ. 10,500નો કડાકો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 26 : સંકર રૂની બજારમાં મંદીએ પ્રવેશ કરી લેતા ભાવ સડસડાટ તૂટતા જાય છે. મે મહિનાના મધ્યે એક તબક્કે રૂ. 1.08 લાખના ભાવથી વેંચાયેલી ગાંસડી(350 કિલો)ના ભાવ એકાએક ઘટીને રૂ. 96000-97500 સુધી પહોંચી ગયા છે. એક લાખ રૂપિયાનું સ્તર તૂટી ગયું છે. મહિના કરતા ઓછાં સમયમાં રૂ. 10,500નો કડાકો બોલી ગયો છે. આમ છતાં ન્યૂયોર્ક અને ઘરેલુ વાયદા કરતા હાજર ભાવ ખૂબ ધીરે ધીરે ઘટી રહ્યો છે.
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશનના પ્રમુખ અરાવિંદભાઇ પટેલ કહે છેકે, રૂના ભાવમાં ગાબડાં પડ્યા છે એનું કારણ વિદેશી બજારમાં આવેલી મંદીનું છે. ન્યૂયોર્કની અસરથી એમસીએક્સમાં ત્રણ દિવસથી મોટાં કડાકા બોલી ગયા છે અને હાજરમાં જે સ્ટોકિસ્ટો કે જિનો પાસે રૂ પડ્યું છે તેમણે પણ ભાવ તોડવા પડી રહ્યા છે.
ન્યૂયોર્કમાં કોટન વાયદો તેજીમાં એક તબક્કે 154 સેન્ટ સુધી ઉંચકાયો હતો. જોકે હવે તે ઘટીને ઓક્ટોબરમાં 107 સેન્ટ સુધી આવી ગયો છે અને કેશ માર્કેટમાં 122-123 સેન્ટના ભાવ હતા. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 104 સેન્ટ સુધી તૂટી ચૂક્યો છે.એમસીએક્સ વાયદો પણ રૂ.40 હજારની નજીક જઇ આવ્યો છે.
અરાવિંદભાઇ ઉમેરે છેકે, યાર્ન મિલોને ચલાવવા માટે રૂની આવશ્યકતા છે એટલી માગ બજારમાં દેખાય છે પણ વૈશ્વિક બજાર જ તૂટી ગઇ હોવાથી હવે સ્થાનિક ભાવ ટકવા મુશ્કેલ બની ગયા છે. સૌરાષ્ટ્રમાં રોજ પાંચથી છ હજાર ગાંસડીના કામકાજ થતા હોવાનો અંદાજ તેમણે આપ્યો હતો. અલબત્ત હજુ વાયદા જેટલો ભાવ ઘટાડો સ્ટોકિસ્ટો કરતા નથી. જિનીંગ મિલો બંધ જેવી છે એટલે ઉત્પાદન ઓછું છે. કપાસ મળતો નથી પરિણામે રૂની અછત વધતી જાય છે.
રાજકોટ નજીક યાર્ન એકમ ધરાવતા ગૌતમભાઇ ધમસાણિયા કહે છેકે, જિનીંગ મિલો કે સ્ટોકિસ્ટો પાસે હવે ગાંસડીની જ અછત છે એટલે વેચવા માટે બહુ ઓછી ઇન્કવાયરી આવે છે. યાર્ન એકમો ચલાવવા પૂરતો જ માલ મળે છે. જોકે યાર્નમાં ય મંદી હોવાથી ઉત્પાદન ક્ષમતા દરેકે ઘટાડી નાંખી છે. 30 કાઉન્ટના યાર્નનો ભાવ પંદર દિવસમાં રૂ. 390-395થી ઘટીને રૂ.370 સુધી આવી ગયો છે જ્યારે 20 કાઉન્ટના ભાવ રૂ. 275 થઇ ગયા છે.
એક બ્રોકર કહે છેકે, ગયા મહિને વિયેટનામથી યાર્નની આયાતના આશરે 4 હજાર ટનના સોદા થયા હતા. એ માલ જુલાઇના આરંભે બંદરો ઉપર ઉતરશે. જોકે એ પૂર્વે ભારતીય બજાર તૂટી ગઇ હોવાથી હવે સોદા થયા છે એમાં વિલંબ કરવામાં આવશે કે વાંધાવચકા પડે એવી શક્યતા વધી છે. આયાત થયેલા કાઉન્ટના યાર્નનો ભાવ ઘરેલુ બજાર જેટલો જ થઇ ગયો છે એટલે મુશ્કેલી પડે તેમ છે.
કપાસના વાવેતરનો સમય ચાલી રહ્યો છે પરંતુ વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. ગુજરાતમાં આશરે સાતેક લાખ હેક્ટર સુધી વાવેતર પહોંચ્યું છે. જોકે એમાંથી મોટાંભાગનું આગોતરું વાવેતર છે. પાણીની સગવડ નથી એવા ખેડૂતો વરસાદની રાહે બેઠેલા છે. અલબત્ત જૂનના અંત સુધીમાં વાવણીલાયક સારો વરસાદ પડી જાય તો કપાસના વાવેતર વધશે એમાં બેમત નથી.
Published on: Mon, 27 Jun 2022
સંકર રૂની બજારમાં મંદીનો પ્રવેશ
