વૈશ્વિક પરિબળોની અસર સ્થાનિક બજારો ઉપર જોવા મળશે

વૈશ્વિક પરિબળોની અસર સ્થાનિક બજારો ઉપર જોવા મળશે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : અગાઉના સપ્તાહે કૉમોડિટીના ભાવમાં થયેલી પીછેહઠને લીધે સંભવત: છેલ્લા બે દિવસમાં શૅરબજારને ઉપર તરફ જવાની તક સાંપડી છે. જેથી ભારતમાં મુખ્ય સૂચકાંકો ત્રણ ટકા સુધી સુધર્યા હતા. જે પાછલા સમયગાળામાં ફેડ રિઝર્વના વ્યાજદર વધારાને લીધે છ ટકા ઘટયા હતા. ફેડ રિઝર્વના વલણને લીધે અનેક એનલિસ્ટોએ વૈશ્વિક મંદીનો ભય વ્યક્ત કર્યો હોવાથી સ્થાનિકમાં એનએસઈ નિફટી એક તબક્કે 15,000ની સપાટી તરફ ઘસડાયો હતો. જેમાં સૌથી વધુ અૉટો, ઊર્જા, તેલ-ગૅસ, નાણાસેવા અને બૅન્કિંગના શૅરોમાં જંગી ઘટાડો થયો હતો.
દરમિયાન, સ્થાનિક બજારમાં શુક્રવારે સેન્સેક્ષ 462 પૉઈન્ટ સુધારે 52,728 પૉઈન્ટ અને નિફટી 148 પૉઈન્ટ વધીને 15,699ના સ્તરે બંધ રહ્યા હતા. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડતેલનો ભાવ બેરલ દીઠ ટીને 112 ડૉલર કવૉટ થયો હતો. જોકે, સ્થાનિક બજારમાં એફપીઆઈએ રોજેરોજ વેચવાલી ચાલુ રાખી છે. શુક્રવારે રૂા. 2354 કરોડની વેચવાલી નોંધાઈ છે. વૈશ્વિક સ્તરે સ્થાનિક બજારમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સ્ટીલ, ક્રૂડતેલ, ગૅસ, ઊર્જા અને અન્ય શૅરોમાં નીચા તળિયેથી લેવાલી જોવાઈ હતી, જે આગામી સમયકાળ માટેનો સકારાત્મક સંકેત ગણી શકાય.
જુલિયસ બેઅર ઇન્ડિયાના ડિરેકટર મિલિંદ મુંછાળાએ જણાવ્યું હતું કે, કૉમોડિટીના ભાવમાં ઘટાડાને લીધે ફુગાવાનું દબાણ ઓછું થશે. જેથી વૈશ્વિક બૅન્કો આગળ જતાં કડક નાણાકીય શિસ્તના વલણમાં સુધારો કરી શકે છે. આ પ્રકારની સંભાવનાને લીધે અત્યારે શૅરબજારને નીચા મથાળે ટેકો મળ્યો છે.
જોકે, અમુક વિશ્લેષકો ઉછાળાને માત્ર ટેક્નિકલ ગણાવે છે. બીડીઓ ઇન્ડિયાના પાર્ટનર મનોજ પુરોહિતે જણાવ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ, વ્યાજદર વધારો અને કોરોના વધવાથી શૅરબજારના ઉછાળા તકલાદી હોઈ શકે છે. અનેક વિશ્લેષકો આગામી ડિસેમ્બર સુધીમાં મુખ્યત્વે ફેડ રિઝર્વની નીતિ અનુસાર બજારો ચાલશે એમ માને છે. અઠવાડિક છેલ્લા દિવસે સ્થાનિક બજારમાં 2391 શૅરના સુધારા સામે 932 શૅર ઘટયા હતા. નિફટી સ્મોલકૅપ અને મિડકૅપ ઈન્ડેક્સ 1.8 અને 2.2 ટકા સુધારે હતા.
અનુભવી બ્રોકરોના જણાવ્યા પ્રમાણે નિફટીમાં હવે 15,700-15,800 મુખ્ય પ્રતિકાર સપાટી અને 15,200-14,900 મુખ્ય સપોર્ટ ઝોન ગણાય. જેથી આગામી અઠવાડિયે શૅરબજારમાં ધીમી ગતિવિધિ વચ્ચે વૈશ્વિક ઝોક થકી મધ્યમ અથવા સ્થિર વલણની સંભાવના બને છે. દૈનિક ટ્રેડરોએ મોટા જોખમથી બચવું જરૂરી બનશે. લાંબા ગાળાના રોકાણકારોએ નીચા મથાળે સ્મોલ-મિડકૅપ શૅરોમાં બે-ત્રણ હિસામાં ભાવ સરેરાશ જાળવી ખરીદી કરવી હિતાવહ રહેશે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust