મુંબઈ/પુણે, તા. 26 (પીટીઆઇ): મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે અને અન્યના વિદ્રોહ બાદ રાજકીય સંકટ વચ્ચે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના વફાદાર શિવસૈનિકોએ મુંબઈ અને પુણેમાં રવિવારે બાઇક રૅલી કાઢી હતી. આ વિરોધ પ્રદર્શન એ સંદેશ આપવા માટે હતો કે ગદ્દારોને માફી આપવામાં નહીં આવે.
મુંબઈમાં શિવસેનાના મુખપત્ર સામનાના પ્રભાદેવી વિસ્તાર સ્થિત કાર્યાલયની બહાર પક્ષના કાર્યકર્તાઓ ભારે સંખ્યામાં ભેગા થયા હતા અને તેમણે બાઇક રૅલી કાઢી હતી. શિંદે અને અન્ય વિદ્રોહી વિધાનસભ્યો વિરુદ્ધ નારેબાજી કરી હતી. રૅલીમાં સામેલ શિવસેનાના સમર્થકે જણાવ્યું હતું કે હિંદુત્વ ઉદ્ધવ ઠાકરે સાથે છે. વિદ્રોહી વિધાનસભ્યોને જે પણ કહેવું છે તો તેમણે મુંબઈ આવીને મુખ્ય પ્રધાન ઠાકરેની મુલાકાત લેવી પડશે. અન્ય કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે શિવસેના બાળાસાહેબ ઠાકરેનો પક્ષ છે અને કોઇ બીજો દાવો નહીં કરી શકે. અમે ઉદ્ધવ ઠાકરેને ટેકો આપીએ છીએ. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સમર્થક એવા શિવસૈનિકોએ રવિવારે બાઇક રૅલી કાઢી હતી જે શિવસેના ભવનથી શરૂ થઇ હતી. શિવસેનાના કાર્યકર્તાઓ સહિત અન્યનું પ્રદર્શન જોતાં શિવસેના ભવનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
Published on: Mon, 27 Jun 2022