એકનાથ શિંદેને ગયા મહિને મુખ્ય પ્રધાનપદની અૉફર કરવામાં આવેલી : આદિત્ય ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 26 : શિવસેનાના પ્રધાન આદિત્ય ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે, શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોની આકાંક્ષા રાક્ષસી છે અને શિવસેનાના બધા જ વિધાનસભ્યો પણ જો બળવાખોર થઈ જશે તો પણ વિજય તો હંમેશાં પાર્ટીનો જ થશે. 
રવિવારે સતત બીજા દિવસે શિવસૈનિકોને સંબોધતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે (30)એ કહ્યું હતું કે, બળવાખોર વિધાનસભ્યો માટે રાજ્યના અને પક્ષના દરવાજા હવે બંધ થઈ ગયા છે. તેમણે ફરીથી ચૂંટણી લડવી પડશે. અને ચૂંટણીમાં તેમનો પરાજય થાય એનું અમે ધ્યાન રાખીશું. 
આદિત્ય ઠાકરેએ ભાજપનું નામ લીધા વગર કહ્યું હતું કે, જે પાર્ટી કેન્દ્રમાં અને આસામમાં સત્તામાં છે તેણે પોતાના દ્વારા શાસિત એક રાજ્યમાંથી બળવોખોરોને બીજા રાજ્ય રાખ્યા છે. આસામમાં અત્યારે પૂરનું સંકટ છે. ગુવહાટીમાં આ બળવાખોરોને એક કેદી બનાવાયા છે. 12થી 14 બળવાખોર વિધાનસભ્યો હજી અમારા સંપર્કમાં છે. બળવાખોરો જ્યારે વિધાનસભામાં આવશે, ત્યારે અમારી આંખમાં આંખ મિલાવી વાત કરવાની તેમનામાં હિંતમ હોવી જોઈશે. અમે તેમના માટે શું નથી કર્યું એ કહેવાની તેમનામાં હિંમત હોવી જોઈશે. આ બળવાખોરોની આકાંક્ષા રાક્ષસી છે. દરેક બળવાખોરને પૂરતું વિકાસ ફંડ પણ આપવામાં આવ્યું છે. 
શિવસેના સામાન્ય નાગરિકનો અવાજ છે, એવું પણ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, શિવસેનામાં એકનાથ શિંદે માટે માન હતું. મે મહિનામાં તેમને પૂછવામાં આવેલું કે શું તમને મુખ્ય પ્રધાન બનવું છે. મને તેમની દયા આવે છે. મને તેમના પર ગુસ્સો પણ નથી આવતો. તેઓ થાણે કે મુંબઈમાં રહીને પણ બળવો કરી શક્યા હોત.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust