શિવસેનાએ કાનૂની જંગ માટે તૈયારી શરૂ કરી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 26 : એક તરફ શિવસેનાના બળવાખોરોએ છેલ્લાં પાંચ દિવસથી ગુવહાટીમાં તંબૂ તાણ્યાં છે ત્યારે બીજી તરફ શિવસેનાએ કાનૂની જંગ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. 
દેવદત્ત કામત શિવસેનાના કાનૂની સલાહકાર અને કાઉન્સેલ પણ છે, તેમણે કહ્યું હતું કે, વિધાનસભાના સ્પીકરની ખુરસી અત્યારે ખાલી પડી છે એટલે નાયબ સ્પીકરને બળવાખોર 16 વિધાનસભ્યોને ડિસ્ક્વૉલિફિકેશન નોટિસ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. 
એકનાથ શિંદે સહિત 16 બળવાખોર વિધાનસભ્યોને હાજર થવા માટે નાયબ સ્પીકરે સમન્સ મોકલ્યા છે. તેમને 27 જૂનની સાંજ સુધી ડિસ્ક્વૉલિફિકેશન નોટિસનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. 
દેવદત્ત કામતે કહ્યું હતું કે, વિધાનમંડળ પક્ષ એ સર્વોપરી નથી. અને જો કોઈ પક્ષ મૂળ પક્ષમાંથી બન્યો હોય તો એ વિધાનમંડળ પક્ષનો કોઈ મતલબ પણ નથી. 16 બળવાખોરો સામે બંધારણના 10માં પ્રકરણ 2.1એ પૅરા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 
દેવદત્ત કામતની સાથે શિવસેનાના સાંસદ અરાવિંદ સાવંત પણ હાજર હતા અને તેમણે કહ્યું હતું કે અમે કાનૂની જંગ માટે તૈયારી કરી રહ્યાં છીએ. 
બળવાખોરો પાસે હવે શું વિકલ્પ છે એવા પ્રશ્નના જવાબમાં દેવદત્ત કામતે કહ્યું હતું કે, બળવાખોરો બીજી પાર્ટીમાં વિલિન ન થાય ત્યાં સુધી તેમના માથે ડિસ્ક્વૉલિફિકેશનની તલવાર લટકતી રહેશે. મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ વિધાનસભાનું સત્ર બોલાવી તાકાતનું પ્રદર્શન કરાવી શકે છે. 
શનિવારે ગુવહાટીથી અૉનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં બળવાખોર વિધાનસભ્ય દીપક કેસરકરે કહ્યું હતું કે, અમારા જૂથ પાસે બે તૃત્યાંશ બહુમતી છે અને અમારું સંખ્યાબળ વિધાનસભામાં પુરવાર કરીશું. અમે બીજી કોઈ પાર્ટીમાં વિલિન નહીં થઈએ. 
દેવદત્ત કામતે કહ્યું હતું કે, વિલિનિકરણનો વિકલ્પ 2003માં અસ્તિત્વમાં આવ્યો હતો.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust