એક ઈંચ જમીન નહીં ગુમાવે ભારત : સંરક્ષણ પ્રધાનની ગર્જના

નવી દિલ્હી, તા. 26: રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત પોતાની એક ઈંચ જમીન પણ ચીનને આપશે નહીં. આ સાથે જ આશા વ્યક્ત કરી હતી કે પૂર્વ લદ્દાખમાં સરહદે ચાલી રહેલા ગતિરોધનું સમાધાન બન્ને દેશ વચ્ચે વાતચીતનાં માધ્યમથી આવી જશે. સિંહે એમ પણ કહ્યું હતું કે, ભારત પોતાની એકતા, સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે જોખમ પેદા કરનારી કોઈપણ વ્યક્તિને જડબાતોડ જવાબ આપશે, કારણ કે ભારત હવે કમજોર દેશ નથી. 
પૂર્વ લદ્દાખમાં ગતિરોધ  ઉપર વિપક્ષ દ્વારા સરકારની આલોચનાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાજનીતિક વિરોધી તથ્યોને પૂરી રીતે જાણ્યા વિના સવાલ ઉઠાવતા રહે છે. રાજનાથ સિંહે આગળ ઉમેર્યું હતું કે, તેઓ વર્ષ 1962નાં ચીન-ભારત યુદ્ધ દરમિયાન શું થયું તેની વાત કરવા માગતા નથી પણ દેશના રક્ષા મંત્રી તરીકે આશ્વાસન આપવા માગે છે કે જ્યાં સુધી તેઓ સરકારમાં છે ચીનના કબજામાં એક ઈંચ જમીન પણ જશે નહીં.
રાજનાથ સિંહે કહ્યું હતું કે, એનડીએ સરકાર કોઈપણ કિંમતે દેશના ગૌરવ અને પ્રતિષ્ઠા સાથે સમજૂતી કરશે નહીં. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, રશિયા યુક્રેન સંઘર્ષે બતાવ્યું છે કે દુનિયાના કોઈપણ હિસ્સામાં યુદ્ધ થાય તો તેમાં સામેલ દેશોએ લડવું પડશે અને કોઈ ત્રીજો દેશ સરળતાથી સામેલ થશે નહીં. 

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust