વીજ બિલ ભર્યાં બાદ કંપનીની વધારાની સુરક્ષા ડિપૉઝિટ કેમ ભરવાની ?

મુંબઈ, તા. 26 : વીજ કંપનીઓ દ્વારા દર વર્ષે વધારાની સુરક્ષા ડિપૉઝિટ માગવામાં આવે છે. આ અંગે પ્રસાર માધ્યમ પ્રતિનિધિ અને સલાહકાર રવિ નાયરે વીજ વિભાગના પ્રધાન અને સંબંધિત કંપનીઓને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે 43 લાખ ગ્રાહકો પાસેથી વધારાની સુરક્ષા  ડિપૉઝિટ રૂા. 1350થી વધુ કરોડની ઉઘરાણી બંધ કરો. તેમણે જણાવ્યું છે કે જે વીજ બિલ નથી ભરતા તેમની પાસે વસૂલાત કરવાને બદલે વીજ કંપનીઓ નિયમિત ગ્રાહકો પાસેથી વધારાની સુરક્ષાના નામે ઉઘરાણી કરતા હોય છે. જે વીજ બિલ નિયમિત ભરતા નથી, ડિફોલ્ટર છે તેમની સામે પગલાં લો અને તમારા બાકી નીકળતાં નાણાં વસૂલ કરો. આ વધારાનો ભાર અને જબરદસ્તી નિયમિત ગ્રાહકો ઉપર કેમ? આ વધારાની સુરક્ષા ડિપૉઝિટ રહેણાંક ઇમારતોમાં રહેતા નિયમિત ગ્રાહકો પાસેથી જ માગવામાં આવે છે. વીજ કંપનીઓ અમારી સંપત્તિનો ઉપયોગ કરે છે કે અમે તેમની કોઇ સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ? ભાડાંપેટે આ રકમ વસૂલ કરાય છે? વીજ બિલના ભુગતાનમાં વિલંબ માટે વધારાનો ચાર્જ કંપની વસૂલતી જ હોય છે તો આ ડબલ સિકયોરિટી ડિપૉઝિટ કેમ ભરવાની? શું કંપની મીટર, વાયર અને કનેકશન સિકયોર કરવાના નામે સુરક્ષા ડિપૉઝિટ વસૂલી રહી છે? આ મામલે કંપની સ્પષ્ટતા કરે અને નિયમિત ગ્રાહકોને એડિશનલ સિકયોરિટી ડિપૉઝિટમાંથી મુકિત આપે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust