કોવિડ થયા બાદ અલઝાઇમર અને પાર્કિન્સનની બીમારીનું જોખમ

મુંબઈ, તા. 26 : કોવિડ-19ના દર્દીઓમાં અલઝાઇમર (ભૂલી જવાની બીમારી), પાર્કિન્સન (કંપવા) અને સ્ટ્રોક જેવી મસ્તિષ્કને લગતી બીમારીઓનો ખતરો વધી જાય છે એવું નવા યુરોપિયન અભ્યાસમાં જાણવા મળ્યું છે.
શુક્રવારે વિયેના ખાતે આઠમી યુરોપિયન એકેડેમી અૉફ  ન્યુરોલૉજી કૉંગ્રેસમાં આ અભ્યાસનાં તારણો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ અભ્યાસમાં ડેન્માર્કના 9 લાખ કોવિડ દર્દીઓને આવરી લેવામાં આવ્યા હતા અને તેમાંના 43,375 દર્દીઓને કોવિડમાંથી સાજા થઈ ગયા બાદ અલઝાઇમરનો ખતરો 3.5 ગણો હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. પાર્કિન્સન (કંપવા)નો ખતરો 2.6 ગણો અને સ્ટ્રોકનો ખતરો 2.7 ગણો હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે મગજમાં રક્તસ્રાવનો ખતરો 4.8 ગણો વધી જવાનું શોધી કાઢવામાં આવ્યું હતું.
કેઈએમ હૉસ્પિટલના ડીન ડૉ. સંગીતા રાવત કે જેઓ ન્યુરોલૉજી વિભાગના વડા છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડના દર્દીઓને અલઝાઇમર અને પાર્કિન્સન સાથે જોડવાનું વહેલું ગણાશે `કોવિડ બ્લડ ક્લોટ (લોહીમાં ગાંઠ) પેદા કરતો હોવાથી તેને કારણે હૃદયરોગ અને બ્રેઇન સ્ટ્રોકનો ખતરો રહે છે.
કોવિડ મહામારી પેદા કરતા વાયરસ કેટલાક દર્દીઓમાં લાંબાગાળાની મસ્તિષ્કને લગતી સમસ્યા પેદા કરતા હોય છે એમ તેમણે જણાવ્યું હતું.
અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે 1918માં સ્પેનિશ ફ્લૂ વખતે જન્મ લેનારાઓને પાર્કિન્સન જેવાં લક્ષણોનો ખતરો ત્રણ ગણો રહેતો હતો.
ગયા વર્ષે કૅનેડિયન પેકગીલ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડમાંથી ઉગરી ગયેલા લોકોમાં પાર્કિન્સન જેવાં લક્ષણો આવી શકે છે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust