`લોકમત'' સામેનો બદનક્ષીનો કેસ હાઈ કોર્ટે રદ કર્યો

નાગપુર, તા. 26 (પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે મીડિયા ગૃહ `લોકમત' સામેનો બદનક્ષીનો કેસ રદ કરતાં એવું નિરીક્ષણ કર્યું હતું કે મીડિયા 
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર)ને લગતા અહેવાલ છાપવાનો અધિકાર ધરાવે છે અને આવા સમાચાર છાપતાં પહેલાં એફઆઈઆરની સચ્ચાઈની ખાતરી કરવાની ધારણા પ્રકાશક પાસેથી રાખી શકાય નહીં.
લોકમત મીડિયા પ્રા. લિમિટેડના ચૅરમૅન વિજય દરડા અને તેના તંત્રી રાજેન્દ્ર દરડા દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતાં હાઈ કોર્ટના જસ્ટિસ વિનય જોશીએ અરજદાર સામે કરવામાં આવેલી બદનક્ષીની ફોજદારી ફરિયાદને રદ કરી હતી.
20 મે 2016ના લોકમતમાં છપાયેલા સમાચાર પોતાની બદનક્ષી કરતા હોવાની બદનક્ષીની ફરિયાદ એક શખસે કરી હતી તેના પર મેજિસ્ટ્રેટ કોર્ટે લોકમત સામે ફોજદારી કાર્યવાહીનો હુકમ બહાર પાડયો હતો તેને રદ કરવા વિજય દરડા અને રાજેન્દ્ર દરડાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
ફરિયાદી અને તેના પરિવારજનો સામે ગુનો નોંધવાને લગતા આ સમાચાર હતા અને તે સંબંધમાં ફરિયાદીએ એવો આરોપ મૂક્યો હતો કે આ સમાચાર છાપતા પહેલાં અખબારે તેની સચ્ચાઈની ચકાસણી કરી નહોતી.
ફરિયાદીએ એવો આરોપ મૂક્યો હતો કે પોલીસનો રિપોર્ટ સંપૂર્ણરીતે ખોટો હતો. ફરિયાદીએ એવી રજૂઆત કરી હતી કે અપરાધ જે દિવસે કરવામાં આવ્યો હતો ત્યારે પોતે અપરાધના સ્થળે હાજર નહોતો અને ત્યારબાદ ચાર્જશીટમાંથી તેનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust