પોલીસ `બોગસ પોલીસ''ની શોધમાં

મુંબઈ, તા. 26 : બોગસ પોલીસો દ્વારા નાગરિકોને લૂંટવાની ઘટના મુંબઈમાં વધી રહી છે. તાજેતરમાં ઝવેરી બજારના એક વેપારીના કર્મચારી પાસેથી બોગસ પોલીસોએ દસ લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના નોંધાઈ છે. આ પ્રકરણે બે બોગસ પોલીસો સામે લોકમાન્ય ટિળક માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
સ્ટીલના વેપારી મનીષ રાજઘોરે પોતાને ત્યાં અૉફિસ બૉય તરીકે કામ કરતા વિષ્ણુ પુરોહિતને ઝવેરી બજારના પોતાના એક પરિચિતને ત્યાં દસ લાખ રૂપિયા આપવા મોકલ્યો હતો. ચર્ની રોડ સ્ટેશન ઊતરીને વિષ્ણુ પુરોહિત બસ દ્વારા ઝવેરી બજાર પહોંચ્યો હતો અને ત્યાંથી દુકાન તરફ જઈ રહ્યો હતો ત્યારે એક પડછંદ વ્યક્તિએ એને અટકાવ્યો હતો. હું પોલીસ છું અને અહીં કાળાં નાણાંની લેવડદેવડ થતી હોવાથી અમે તપાસ કરી રહ્યા છીએ, એમ કહીને એ વિષ્ણુને અન્ય એક વ્યક્તિની પાસે લઈ ગયો હતો. ત્યાં બંને બોગસ પોલીસોએ વિષ્ણુની ઝડતી લેવાની શરૂઆત કરી હતી. તપાસ દરમિયાન તેમણે વિષ્ણુને ખબર ન પડે એ રીતે દસ લાખ રૂપિયાની રોકડ રકમ સરકાવી લીધી હતી. એ પછી બેગ પાછી આપીને એમણે વિષ્ણુને જવા કહ્યું હતું. થોડે દૂર ગયા પછી વિષ્ણુને બેગ હળવી હોવાનું ધ્યાનમાં આવતાં બેગ ખોળીને જોતાં અંદરની રકમ ગાયબ હોવાનું સમજાયું હતું. પાછા જઈને એણે બંનેને શોધવાનો 
પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો પત્તો લાગ્યો નહોતો. વિષ્ણુએ માલિકને આ ઘટનાની જાણ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust