વિદ્રોહીઓને જડબાતોડ જવાબ આપવા ઠાકરે સક્ષમ : પવાર

વિદ્રોહીઓને જડબાતોડ જવાબ આપવા ઠાકરે સક્ષમ : પવાર
મુંબઈ, તા. 26 :  મને જે શિવસેનાની જાણ છે, શિવસૈનિકો વિદ્રોહને સાંખી નહીં લે. તેમનામાં પ્રચંડ શકિત છે, પ્રચંડ સંગઠન છે. કષ્ટ સહન કરવાની તૈયારી છે. તેમ જ ઉદ્ધવ ઠાકરે વિદ્રોહીઓને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. તેથી જો 40-50 વિધાનસભ્યોએ કોઇ ભૂમિકા અપનાવી હશે તો પણ પક્ષને કોઇ ફરક પડવાનો નથી એવા શબ્દમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે શિવસૈનિકોનાં વખાણ કર્યાં હતાં.  એકનાથ શિંદે હૉટેલમાં બેસીને બહુમતનો દાવો કરે છે, તે મુંબઈમાં કેમ પાછો ફરતો નથી? એવો સવાલ પવારે પત્રકાર પરિષદ દરમિયાન કર્યો હતો. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા આવતી કાલે અરજી ભરવાના છે. તેને માટે નવી દિલ્હી જવાનું પવારે જણાવ્યું હતું તેમ જ આ પ્રસંગે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ ઉપર પણ વાતચીત કરી હતી. 
શિવસેનાનું એક જૂથ આસામ ગયું છે તેમની પાસેથી જે નિવેદનો આવે છે તેના ઉપરથી એક વાત સ્પષ્ટ છે કે તેમને સત્તા પરિવર્તન જોઇએ છે. શિવસેનાને ખાતરી છે કે ગયેલા લોકો પાછા ફરશે ત્યારે તેમની ભૂમિકા પણ બદલાઇ જશે. શિવસેનાને મદદ કરનારા એનસીપી અને કૉંગ્રેસની ભૂમિકા રાજ્યનું નેતૃત્વ સંભાળનારા ઉદ્ધવ ઠાકરેની પડખે ઊભા રહેવાની છે એવી સ્પષ્ટતા પવારે કરી હતી. એકનાથ શિંદે પાસે સંખ્યાબળ છે તો તે ગુવાહાટીમાં કેમ બેઠા છે? મુંબઈમાં કેમ આવતા નથી? એવો સવાલ પવારે કર્યો હતો. 
વિદ્રોહી વિધાનસભ્યોએ ગુજરાત અને આસામ રાજ્યની નિમણૂંક કરી છે આ બંને રાજ્ય ભાજપ શાસિત છે. શિંદેએ ગઇકાલે નિવેદન આપ્યું હતું કે સશકત શકિત અમારી પડખે છે. આ પાવરફુલ શકિત કોણ તે કહેવાની મારે જરૂર જણાતી નથી, એમ જણાવી ભાજપનું નામ લેવાનું પવારે ટાળ્યું હતું. રાષ્ટ્રપતિ શાસનની કોણે માગણી કરી છે તેની માહિતી નથી. પણ જો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો બળવાનો ફાયદો શું? જો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો ભાજપે જે કર્યું છે તેનો શું ફાયદો? એવો ટોણો શરદ પવારે ભાજપને માર્યો હતો.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust