વિધાનસભ્યપદેથી રાજીનામું આપી નવેસરથી ચૂંટણી લડો

વિધાનસભ્યપદેથી રાજીનામું આપી નવેસરથી ચૂંટણી લડો
બળવાખોરોને સંજય રાઉતની ચેતવણી
મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદે વચ્ચેની શિવસેના પર અંકુશ મેળવવાની વર્તમાન ખેંચતાણ વચ્ચે પક્ષના નેતા સંજય રાઉતે વિધાનસભ્યપદ પરથી રાજીનામું આપીને નવેસરથી ચૂંટણી લડવાની બળવાખોર વિધાનસભ્યોને ધમકી આપી હતી અને સાથે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પાછા ફરવા માગતા હોય તો પક્ષના દરવાજા ખુલ્લા છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનથી બનેલી મહાવિકાસ આઘાડી સરકાર વર્તમાન કટોકટીમાંથી હેમખેમ બહાર આવી જશે.
શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો હાલ એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં છે અને આ બળવાખોર વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને હચમચાવી મૂકી છે.
બળવાખોર વિધાનસભ્યોને મારો ખુલ્લો પડકાર છે કે તેઓ મતદારો પાસે જાય અને ફરીવાર ચૂંટાઈ આવે. ભૂતકાળમાં નારાયણ રાણે, છગન ભુજબળ અને તેમના ટેકેદારો સેનાના વિધાનસભ્ય તરીકે રાજીનામું આપી અન્ય પક્ષમાં જોડાઈ ગયા હતા એમ રાઉતે જણાવ્યું હતું.
`િશવસેનાના કાર્યકરો નેતાગીરી પાસેથી સંકેત મળે તેની રાહ જોઈ રહ્યા છે અને પક્ષ બળવાખોરોનો મુકાબલો કરવા તૈયાર છે એમ રાઉતે જણાવ્યું હતું. રાઉતે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે બળવાખોરોની અંદર પણ બળવો થઈ શકે છે. તેઓ એક વખત મુંબઈ આવશે પછી તેમને સમજાશે કે બળવો ક્યાં છે. તેમનું ગ્રુપ બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાનાં નામનો ઉપયોગ કરે તેની સામે અમારો વિરોધ છે' એમ રાઉતે જણાવ્યું હતું.
મહાવિકાસ આઘાડી વર્તમાન કટોકટીમાંથી હેમખેમ બહાર આવી જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં રાઉતે જણાવ્યું હતું કે બળવાખોરો એવો દાવો કરે છે કે તેમને બહુમતી વિધાનસભ્યોનો ટેકો છે તો પછી તેઓ હજી સુધી ગુવાહાટીમાં શું કરે છે? મુંબઈ આવો હું પોતે તેમને  સત્કારવા ઍરપોર્ટ પર જઈશ.
ગુવાહાટીની હૉટલમાં બળવાખોરો એકબીજા પર હુમલો કરશે તો તેની મને નવાઈ નહીં લાગે. કારણ કે તેમને જબરદસ્તીથી ત્યાં રાખવામાં આવ્યા છે.
`જે લોકો પાછા આવવા માગે છે તેમની માટે પક્ષના દરવાજા ખુલ્લા છે. હું તેમાંના ઘણાના સંપર્કમાં છું. ભાજપ શિંદેને મુખ્ય પ્રધાન બનાવે છે કે નહીં તે આપણે જોઇએ' એમ રાઉતે જણાવ્યું હતું.
`ભાજપના નેતાઓ સાથે શિંદેની ગુપ્ત બેઠકનો ઉલ્લેખ કરતાં રાઉતે જણાવ્યું હતું કે જો તમારામાં તાકાત હોય તો મત મેળવવા તમારા બાપનાં નામનો ઉપયોગ કરો અથવા તો વડોદરા ખાતેના તમારા બાપનાં નામનો ઉપયોગ કરો.
રાઉતે એ વાતનું આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શા માટે કેટલાક બળવાખોરો સૌપ્રથમ સુરત ગયા હતા જ્યારે પહેલો બેચ તો ગુવાહાટી પહોંચી ગયો હતો. આ એક સંશોધનનો વિષય છે. જો બળવો શિવસેનાનો આંતરિક મામલો હોય તો પછી બળવાખોરોને સુરત અને ત્યારબાદ ગુવાહાટીમાં કડક સુરક્ષા હેઠળ શા માટે રાખવામાં આવ્યા છે?

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust