વીજ બિલ અને બોગસ લોન ઍપથી રહો સાવધાન

વીજ બિલ અને બોગસ લોન ઍપથી રહો સાવધાન
અનેક એજ્યુકેટેડ લોકો સાથે વીજ બિલના નામે છેતરપિંડી
મુંબઈ, તા. 26 : મલબાર હિલના 65 વર્ષના બિઝનેસ વુમન, કફ પરેડના 75 વર્ષના નાણાંકીય સલાહકાર, ઘાટકોપરા બેસ્ટના અધિકારી આ તમામ વીજ બિલના નામે અનુક્રમે રૂા. બે લાખ, રૂા. 1.1 લાખ અને રૂા. 47 હજારની  સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ કેસોમાં પણ અગાઉની જેમ પીડિતો સાથે એવી જ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે. પહેલા તેમને ગયા મહિનાનું વીજ બિલ નહીં ભરતાં વીજપુરવઠો ખંડિત કરવાની ધમકી અપાઇ હતી અને ત્યારબાદ પીડિતોએ સંદેશામાં આપેલા ફોન નંબર ઉપર સંપર્ક કરતા એની ડેસ્ક, ટીમ વ્યુઅરમાંના ઓટીપી શેયર કરીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા. કફ પરેડ પોલીસે આ મામલે સોમવારે એફઆઇઆર નોંધી છે. મલબાર હિલમાં મંગળવારે અને ઘાટકોપરના પંતનગર પોલીસ સ્ટેશનમાં બુધવારે એફઆઇઆર નોંધાઇ છે. ગત બે મહિનામાં આવા પ્રકારના લગભગ 36 કેસો જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાયબર પોલીસે નાગરિકોને સતર્ક અને સાવધાન રહેવાની અપીલ કરી છે.  સૂત્રો અનુસાર આ ઠગો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારના હોવાનો અંદાજ પોલીસે વ્યકત કર્યો છે. સાયબર પોલીસે જણાવ્યું હતું કે આ ઠગો ખૂબ જ ચાલાક છે. અમે બૅન્ક ખાતાની તપાસ કરીએ અને શોધીએ એટલામાં તો તેઓ એ બૅન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે અને તેમની ઓળખ મેળવવી મુશ્કેલ બની જતી હોય છે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust