અમેરિકામાં પણ મઝગાંવ ડૉકની બોલબાલા

અમેરિકામાં પણ મઝગાંવ ડૉકની બોલબાલા
મુંબઈ, તા. 26 : આઝાદી પહેલાંના સમયથી કાર્યરત મઝગાંવ ડૉક શિપબીલ્ડર્સ, યુદ્ધજહાજ નિર્માણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ જમાવી રહ્યું છે. અમેરિકાના એક ન્યૂઝ પોર્ટલે પણ એની નોંધ લીધી છે. મઝગાંવ ડૉક તાજેતરના સમયમાં શ્રેષ્ઠ યુદ્ધજહાજ નિર્માણ કરનારી કંપની તરીકે ઊભરી આવ્યું છે એવું કહીને આ પોર્ટલે અભિનંદનની વર્ષા કરી છે. `ડીઆન ડિફેન્સ ન્યૂઝ' નામના આ પોર્ટલમાંના ભારતીય સંરક્ષણ વિભાગમાં આ નોંધ લેવામાં આવી છે.
મુંબઈ અને આસપાસના વિસ્તારના હજારો લોકોને રોજગાર આપનારા મઝગાંવ ડૉકે ભારતીય નૌકાદળ તેમ જ કોસ્ટ ગાર્ડ માટે આધુનિક યુદ્ધ જહાજો તેમ જ સબમરીન તૈયાર કરી છે. નૌકાદળના કાફલામાંની 50 ટકા સબમરીન મઝગાંવ ડૉકમાં જ તૈયાર થઈ છે. મઝગાંવ ડૉકે 1970થી 2000 દરમિયાન નૌકાદળ માટે મોટા પ્રમાણમાં ફ્રિગેટ્સ અને ડિસ્ટ્રોયર (વિનાશિકા) યુદ્ધજહાજ તૈયાર કર્યાં છે. આ યુદ્ધજહાજો વર્તમાનમાં ટેક્નૉલૉજીની દૃષ્ટિએ થોડા ઊણા ઊતરતા હોય તો પણ એ વખતે એ આધુનિક હતા. એ પછી હવે છેલ્લાં વીસ વર્ષમાં કંપનીએ ત્રણ પ્રકારની ફ્રિગેટ્સ અને બે પ્રકારના ડિસ્ટ્રોયર જહાજ નિર્માણ કર્યાં છે. આ તમામ અત્યાધુનિક યુદ્ધજહાજ છે અને અમેરિકન પોર્ટલે એની વિશેષ સરાહના કરી છે. પોર્ટલે નોંધ કરી છે કે મઝગાંવ ડૉકે તાજેતરમાં તૈયાર કરેલા યુદ્ધજહાજ અને એની પાસેના વર્તમાન પ્રકલ્પને લીધે 2029 સુધીમાં કંપનીએ વૈશ્વિક સ્તરે અનોખી સિદ્ધિ હાંસલ કરી હશે.
મઝગાંવ ડૉકે તાજેતરમાં એક જ દિવસે એક ફિગેટ અને એક ડિસ્ટ્રોયરનું લોકાર્પણ કરીને વિક્રમ કર્યો છે. આ રીતે બે શક્તિશાળી યુદ્ધજહાજ પાણીમાં ઉતારનાર મઝગાંવ ડૉક એશિયાની પહેલી કંપની બની છે. એ વખતે સંરક્ષણપ્રધાને મઝગાંવ ડૉકે હવે વૈશ્વિક સ્તરે ઊતરવું જોઈએ એવું જણાવ્યું હતું.
માતબર કંપનીઓ સાથે સરખામણી
અમેરિકન ન્યૂઝ પોર્ટલે આ માહિતી આપતી વખતે મઝગાંવ ડૉકની સરખામણી હ્યુન્ડાઈ હેવી ઇન્ડસ્ટ્રીઝ, થાયનસક્રુપ મરીન સિસ્ટમ્સ, થેલ્સ ગ્રુપ, નેવલ ગ્રુપ (કલવરી સબમરીન ટેક્નૉલૉજીના જનક), બીએઈ સિસ્ટમ્સ, લૉકહિડ માર્ટિન કૉર્પોરેશન અને પીઓ સેવ્હમેશ જેવી કંપનીઓ સાથે કરી છે, પરંતુ આ કંપનીઓનું નામ લેતી વખતે પોર્ટલે મઝગાંવ ડૉકનું નામ સૌથી આગળ લખ્યું છે, એ નોંધનીય છે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust