રામપુર અને આઝમગઢ લોકસભા બેઠક પર કમળ ખીલ્યું
નવી દિલ્હી, તા. 26 : દેશમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ જારી થઈ ચૂક્યા છે. જેમાં સપાનો ગઢ આઝમગઢ અને રામપુરમાં ભાજપને સપાટો બોલાવ્યો છે. બન્ને લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આઝમગઢમાં અખિલેશ અને રામપુરમાં આઝમ ખાનના રાજીનામાથી બેઠક ખાલી થઈ હતી. જ્યારે પંજાબની સંગરુર લોકસભા બેઠક ઉપર શિરોમણી અકાલી દળના નેતાની જીત થઈ છે. ભગવંત માન મુખ્યમંત્રી બનતા સંગરુર બેઠક ખાલી થઈ હતી. સાત વિધાનસભા બેઠકમાં દિલ્હીની એક બેઠકમાં આપ, ઝારખંડની એક સીટ ઉપર કોંગ્રેસ, ત્રિપુરાની ચારમાંથી ત્રણમાં ભાજપ અને એકમાં કોંગ્રેસ તેમજ આંધ્રપ્રદેશની એક સીટની ચૂંટણીમાં વાઈએસઆર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે.
યુપીના આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકમાં ભાજપે મોટી ઉલટફેર કરી હતી. જેમાં રામપુરમાં ભાજપ ઉમેદવાર ઘનશ્યામ લોધીએ સપાના ઉમેદવાર આસિમ રાજાને 42000થી વધારે મતથી હરાવ્યા હતા. જ્યારે આઝમગઢમાં ભાજપ ઉમેદવાર લાલ યાદવ નિરહુઆએ સપાના ધર્મેન્દ્ર યાદવ ઉપર 8000થી મતથી જીત મેળવી હતી. પંજાબના સંગરુરમાં શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના સિમરનજીત સિંહ માને 5822 મતથી જીત નોંધાવી છે. આપના ગુરમેલ સિંહ બીજા નંબરે રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના દલવીર ગોલ્ડી ત્રીજા નંબરે રહ્યા હતા તેમજ ભાજપની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
યુપીના રામપુરમાં સપાના આસિમ રાજા અને ભાજપના ઘનશ્યામ લોધી વચ્ચે મુકાબલો હતો. અહિંસા કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી નહોતી. બીજી તરફ આઝમગઢમાં સપાના ધર્મેન્દ્ર યાદવ, ભાજપના દિનેશ લાલ નિરહુઆ અને બસપાના શાહ આલમ વચ્ચે ટક્કર હતી. આઝમગઢ અખિલેશ અને રામપુર બેઠક આઝમ ખાનના રાજીનામા બાદ ખાલી થઈ હતી. બન્ને જગ્યાએ પહેલા સપાનો કબજો હતો. ભગવંત માન મુખ્યમંત્રી બન્યા બાદ ખલી થયેલી સંગરુર લોકસભા બેઠક ઉપર આપે ગુરમેલ સિંહને, કોંગ્રેસે દલવીર સિંહ ગોલ્ડી અને ભાજપે કેવોલ ઢિલ્લોંને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે અકાલી દળ (અમૃતસર)એ સિમરનજીત સિંહ માનને ઉમેદવાર બનાવ્યા હતા.Published on: Mon, 27 Jun 2022
અખિલેશ અને આઝમના ગઢ પર ભાજપનો કબજો
