કચ્છ કોપર પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપનું રૂા. 6071 કરોડનું રોકાણ

કચ્છ કોપર પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપનું રૂા. 6071 કરોડનું રોકાણ
રિન્યુયેબલ એનર્જી માટે રિફાઇન્ડ કોપરના ઉત્પાદનની તૈયારી
અમદાવાદ, 26 : અદાણી એન્ટરપ્રાઇઝ  લિ.ની પેટા કંપની કચ્છ કોપર લિ. બે તબક્કામાં વાર્ષિક એક મિલિયન ટન રિફાઇન્ડ કોપરના ઉત્પાદન માટે એક ગ્રીન ફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે. પ્રથમ તબક્કામાં  વાર્ષિક 0.5 મિલિયન ટનની ક્ષમતા માટે કચ્છ કોપર લિ.એ ગુજરાતના મુંદ્રા ખાતે ગ્રીન ફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટ માટે લીડ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં બૅન્કોનાં બનેલા કોન્સોર્ટિયમ સાથે સિન્ડિકેટેડ ક્લબ લોન માટે ધિરાણ દસ્તાવેજોની અમલવારી કરી ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ કોન્સોર્ટિયમની સભ્ય બૅન્કોમાં બૅન્ક ઓફ બરોડા, કેનેરા બૅન્ક, એક્ઝીમ બૅન્ક અૉફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક અને બૅન્ક ઓફ મહારાષ્ટ્ર છે. કોન્સોર્ટિયમમાં સામેલ આ બૅન્કોએ કચ્છ કોપર લિ.ના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂા.6071 કરોડના સંપૂર્ણ  ઋણની  જરૂરિયાતને મંજૂર કરી અને કરાર પર સહીસિક્કા કર્યાં છે. 
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેકટર વિનય પ્રકાશે જણાવ્યું હતું કે  `આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે જોડાયેલા રહીને કચ્છ કોપર લિ. રાષ્ટ્રના ઇવી અને રિન્યુયેબલ્સ તરફના સ્થળાંતરણની ગતિને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરતા રિફાઇન્ડ કોપરના ઉત્પાદનની ક્ષમતાનું નિર્માણ કરવા ધારે છે.' આ પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનૉલૉજી માટેનું આયોજન થયું છે અને મુંદ્રામાં હાલ બાંધકામ સારી રીતે આગળ વધી રહ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષ 2024ના પ્રથમ છ માસમાં ઉત્પાદન શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું છે. અદ્યતન ટેકનૉલૉજી અને ડીજીટલાઇજેશનનો વ્યાપક ઉપયોગ કરીને ઊજઋ બેન્ચમાર્ક અનુસાર પ્રદર્શન ગુણવત્તા સાથેનું આ સંકૂલ વિશ્વના સંકૂલો પૈકીનું સૌથી મોટું હશે. આ ફાયનાન્સિયલ ક્લોઝર અમોને  જરૂરી સંસાધનો એકત્ર કરી અદાણી ગ્રૃપના નિયત સમયમાં પ્રોજેક્ટ પૂરો કરવાના મહત્વના સંકલ્પને સાકાર કરવા સમર્થ બનાવશે.'' 

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust