દરેક ભારતીયના ડીએનએમાં લોકતંત્ર

દરેક ભારતીયના ડીએનએમાં લોકતંત્ર
જી-7 સમિટ : જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધતાં મોદી
મ્યુનિચ, તા. 26 : જી-7 સમિટ માટે જર્મની પહોંચેલા વડા પ્રધાન મોદીએ મ્યુનિચમાં ભારતીય સમૂદાયને સંબોધન કર્યું હતું. મોદીએ કટોકટીનો ઉલ્લેખ કરતા પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે જે લોકતંત્ર ભારતનું ગૌરવ છે, જે લોકતંત્ર દરેક ભારતીયના ડીએનએમાં છે તેને 47 વર્ષ પહેલા આ જ દિવસે કટોકટી લાદીને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીએમએ કહ્યું હતું કે, ભારત અભૂતપૂર્વ સંભાવનાઓથી ભરેલું છે. ભારતના લોકોને વિશ્વાસ છે કે તેમના રૂપિયા ઈમાનદારીથી દેશ માટે વપરાય રહ્યા છે. ભ્રષ્ટાચારની ભેટ ચડી રહ્યા નથી. ભારત વૈશ્વિક પડકારોનો સામનો કરનારો દેશ છે. 
મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, તેઓ ભારતીય સમુદાયમાં ભારતની સંસ્કૃતિ, એકતા અને ભાઈચારાના ભાવના દર્શન કરી રહ્યા છે. આ સ્નેહ તેઓ ક્યારેય ભૂલી શકશે નહી. જર્મનીમાં મળેલો પ્રેમ, ઉત્સાહ અને ઉમંગને ભારતમાં જોઈ રહેલા લોકો ગર્વનો અનુભવ કરી રહ્યા હશે. મોદીએ કહ્યું હતું કે કટોકટી ભારતના લોકતંત્રમાં એક કાળા ધબ્બાની જેમ છે. જો કે લોકતાંત્રિક પરંપરાઓની શ્રેષ્ઠતા વિજયી થઈ. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતના લોકોએ લોકતંત્રને કચડવાની તમામ કોશિશનો જવાબ પણ લોકતાંત્રિક રીતે દીધો છે. ભારતીયો કોઈપણ જગ્યાએ રહે લોકતંત્ર ઉપર ગર્વ કરે છે. 
વડા પ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે, આજે ભારતના દરેક ગામ સુધી વીજળી પહોંચી ચૂકી છે. આજે ભારતના લગભગ તમામ ગ્રામ્ય વિસ્તાર સડક માર્ગથી જોડાઈ ચૂક્યો છે. 99 ટકા લોકો પાસે રસોઈ માટે ગેસ કનેક્શન છે. તેમજ દરેક લોકોને પાંચ લાખના મફત ઈલાજની સુવિધા મળી રહી છે. કોરોનાના સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબો માટે મફત અનાજ સુનિશ્ચિત કરી રહ્યું છે અને ભારતમાં સરેરાશ 10 દિવસમાં અકે યુનિકોર્ન બની રહ્યું છે. ભારત ડેટા કન્ઝપ્શનમાં પણ રેકોર્ડ બનાવી રહ્યું છે. ભારત હવે `હશે, થશે અને ચાલશે'ની માનસિકતામાંથી બહાર નીકળી ચૂક્યું છે. ભારત હવે `કરવું છે, કરવું જ છે અને સમય ઉપર કરવું છે' નો સંકલ્પ રાખે છે. ભારત તત્પર છે, તૈયાર છે, અધીર છે પ્રગતિ માટે, વિકાસ માર્ગે ભારત અધીર છે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust