તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારને પહેલી જુલાઈ સુધીની પોલીસ રિમાન્ડ

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારને પહેલી જુલાઈ સુધીની પોલીસ રિમાન્ડ
કેસની તપાસ માટે સીટની રચના; દીપેન ભદ્રન ચૅરમૅન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 26 : તીસ્તા સેતલવાડ વિરુદ્ધ ગુજરાતને બદનામ કરવાના કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ એસઆઇટી બનાવી છે. એટીએસના ડીઆઇજી દિપેન ભદ્રનના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરાઇ છે. એટીએસના એસપી સુનિલ જોષી અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માન્ડલીક એસઆઇટીના સભ્ય રહેશે અમદાવાદ શહેર એસઓજીના એસીપી બી.સી.સોલંકી કેસના તપાસ અધિકારી રહેશે. તો મહિલા પીઆઇ સહિત 3 પીઆઇનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.  ખોટા દસ્તાવેજોના આધારે ષડયંત્ર મામલે એસઆઇટી તપાસ કરશે. નોંધનીય છે કે, 2002ના રમખાણોનો મુદ્દો સળગતો રાખવાના આરોપમાં તિસ્તા સેતલવાડ ઉપરાંત પૂર્વ આઇપીએસ આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે તવાઈ બોલાવવામાં આવી છે. આજે તીસ્તા   અને પૂર્વ આઇપીએસ શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં તિસ્તા સેતલવાડ પૂછપરછમાં સહયોગ આપતા ન હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તેમના 14 દિવનસા રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે પહેલી જુલાઇ સુધીના બંનેના રિમાન્ડ મંજૂર કર્યા છે.  તીસ્તા સેતલવાડ અને સાગરીતો દ્વારા અલગ અલગ જગ્યા પર ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. તીસ્તા સેતલવાડ પર ખોટા દસ્તાવેજો રજુ કરૂ અલગ અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. તીસ્તા સામે કાયદાકીય પ્રવૃત્તિને બદનામ કરવાનો અને તીસ્તા સેતલવાડ એનજીઓ મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે તીસ્તા સામે ફરિયાદ દાખલ કરી ગઇકાલે મુંબઇથી અટકાયત કરી હતી. ગુજરાત એટીએસની ટીમે તીસ્તાને અમદાવાદ લાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને કબજો સોંપ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વી.એસ.હોસ્પિટલમાં તીસ્તાનો કોરોના ટેસ્ટ સાથે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.  જો કે મેડિકલ ચેકઅપ બાદ તીસ્તા બહાર આવી ત્યારે તેણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે તે બધુ જ કોર્ટમાં કહેશે. 

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust