બરખાસ્તીની નોટિસ સામે શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં; આજે સુનાવણી

બરખાસ્તીની નોટિસ સામે શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં; આજે સુનાવણી
શિવસેનાની લડાઈ હવે સડકથી સુપ્રીમ કોર્ટ સુધી
વીસ વિદ્રોહીઓ સંપર્કમાં હોવાના `દાવા' વચ્ચે વધુ એક પ્રધાન ગુવાહાટી પહોંચ્યા
મુંબઈ, તા. 26  : મહારાષ્ટ્રમાં આઘાડી સરકારની સત્તા ઉપરાંત વિદ્રોહી શિંદે જૂથે શિવસેના સામે ઉભું કરેલું સંકટ હવે મુંબઈની સડકોની સાથે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું છે. શિવસેનાના પંચાવનમાંથી 40 જેટલા વિધાનસભ્યો બળવો કરીને ગુવાહાટીની હૉટેલમાં ધામા નાખીને બેઠા છે અને મુંબઈમાં શિવસેના બચાવવા ઉદ્ધવ ઠાકરે રોજે રોજ શિવસૈનિકો અને પાર્ટીના નેતાઓ સાથે મસલતો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠેર-ઠેર બળવાખોર વિધાનસભ્યોના કાર્યાલયોમાં તોડફોડ અને શિવસૈનિકો દ્વારા સૂત્રોચ્ચાર-દેખાવો થઇ રહ્યાં છે. મુંબઈમાં કલમ 144 લાદવામાં આવી છે. બીજી તરફ શિવસૈનિકોનો ઉત્સાહ વધારવા આદિત્ય ઠાકરે આજે યુવા સેનાની રેલી કરવાના છે. શિવસેના રોડ પર ઉતરવાની તૈયારીમાં છે ત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષે વિદ્રોહી વિધાનસભ્યોને બરખાસ્ત કરવાની નોટિસ આપી છે એની સામે શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેની આજે સુનાવણી થવાની છે. મળતી માહિતી પ્રમાણે શિવસેના તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દલિલો કરશે. 
ગુવાહાટીમાં બેઠેલા શિવસેનાના બળવાખોર શિંદે જૂથના વિધાનસભ્યોમાં ઉમેરો થઇ રહ્યો છે. આજે ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ મનાતા રાજ્યના પ્રધાન ઉદય સામંત પણ ગુવાહાટી પહોંચી જતાં શિવસેનાની ચિંતામાં વધારો થયો છે. શિવસેનાની સતત ધમકીઓ અને મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હિંસાચારના પગલે બળવાખોરોની સુરક્ષા સામે સવાલો ઉભા થતાં કેન્દ્ર સરકારે શિંદે જૂથના 16 વિધાનસભ્યોને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. દરમિયાન કોરોના સંક્રમિત થયાં બાદ સારવાર લઇને સાજા થયેલા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી આજે ફરીથી રાજભવનમાં આવી ગયા છે. એમણે પણ મુંબઈના પોલીસ કમિશનરને પત્ર લખીને બળવાખોર વિધાનસભ્યોના ઘર અને પરિવારને સુરક્ષા આપવાના નિર્દેશો આપ્યા છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આજે બળવાખોરોને ગુવાહાટીના બદલે ચોપાટી આવીને સામનો કરવાનો પડકાર ફેંક્યો છે. તેથી હવે શિવસેનાની આંતરિક લડાઇ હિંસક બનવાના અંઁધાણ છે. સરકાર રહેશે કે નહીં એ તો વિધાનસભામાં જ નક્કી થશે પરંતુ ઉદ્ધવ ઠાકરે સામે શિવસેના બચાવવાનો પડકાર પણ છે અને વિદ્રોહીઓને ભરી પીવા શિવસેના પણ પૂરી તાકાત લગાવશે એવું જાણકારો માની રહ્યા છે.
બળવાખોર વિધાનસભ્યો સંપર્કમાં : શિવસેના
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર ઉપર સંકટ આવી પડયું છે. શિવસેનાના નેતા અને ઉચ્ચ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંત આજે ગુવાહાટી બળવાખોરોની છાવણીમાં પહોંચ્યા છે ત્યારે બીજી તરફ શિવસેના તરફથી દાવો કરવામાં આવ્યો છે કે બળવાખોર છાવણીના 20થી 25 જેટલા વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે.
બળવાખોરોના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપના નેતા અને એકનાથ શિંદે વચ્ચે સત્તા સ્થાપવા માટે ચર્ચા ચાલુ છે. સત્તા સ્થાપવી હોય તો બળવાખોર વિધાનસભ્યોનું જૂથ કાયદામાં બેસતું નથી. તેથી બળવાખોર વિધાનસભ્યોના જૂથે રાજકીય પક્ષમાં વિલીન થવું પડે. તેથી બળવાખોર વિધાનસભ્યો સમક્ષ હવે ભાજપમાં સામેલ થવાનો વિકલ્પ છે. તેથી માત્ર અમે જ સાચો શિવસેના પક્ષ છીએ એવી આગ્રહી ભૂમિકા અપનાવવામાં ઘણા વિધાનસભ્યો સંમત નથી. તેથી પોતાનું જૂથ જ સાચો શિવસેના પક્ષ છે એવું વલણ અપનાવવું અથવા ભાજપમાં સામેલ થવું એ બે વિકલ્પો અંગે બળવાખોર વિધાનસભ્યોમાં મતભેદો છે. તેથી બળવાખોર છાવણીના 20થી 25 વિધાનસભ્યો `માતોશ્રી'ના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિવસેનાના નેતાઓ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે વધતા મતભેદોને કારણે એકનાથ શિંદેના જૂથના અનેક વિધાનસભ્યો `માતોશ્રી'ના સંપર્કમાં છે. બળવાખોર વિધાનસભ્યો વરિષ્ઠ નેતાઓને ફોન કરીને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને મધ્યસ્થી કરવાની વિનંતી કરી છે.
બળવાખોરોને વાય-પ્લસ સુરક્ષા
મહારાષ્ટ્રમાં શિવસેના અને એકનાથ શિંદેના વડપણ હેઠળના જૂથો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને પગલે કેન્દ્ર સરકારે આજે શિવસેનાના કમસે કમ 15 વિધાનસભ્યોને સીઆરપીએફના કમાંડોની વાય-પ્લસ સુરક્ષા પૂરી પાડી છે.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ગઈકાલે આક્ષેપ કર્યો હતો કે મારા સહિત ગુવાહાટીમાં રોકાયેલા 38 વિધાનસભ્યોનાં ઘરે આપવામાં આવેલું પોલીસ રક્ષણ મહારાષ્ટ્રની `આઘાડી' સરકારે રાજકીય બદલો લેવાની ગણતરીથી પાછું ખેંચી લીધું છે. જોકે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે આ આક્ષેપોને નકારી કાઢયા હતા.
શિંદે જૂથ સર્વોચ્ચ અદાલતમાં
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવલ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલી અપાત્ર ઠેરવવાની નોટિસના વિરુદ્ધ શિવસેનાના બળવાખોર નેતા અને રાજ્યના નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ આજે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. આ નોટિસ ગેરકાનૂની અને ગેરબંધારણીય હોવાનું શિંદેએ જણાવીને તેની સામે સ્ટે આપવાની વિનંતી કોર્ટને કરી છે. શિંદે અને અન્ય 15 બળવાખોર વિધાનસભ્યોએ નોંધાવેલી અરજી અંગે વૅકેશન બેન્ચના ન્યાયાધીશો સૂર્યકાંત અને જે. બી. પારડીવાલા આવતી કાલે સુનાવણી કરે એવી વકી છે.
મહારાષ્ટ્રના વિધાનમંડળના સેક્રેટરીએટએ શનિવારે શિવસેનાના શિંદે સહિત 16 બળવાખોર વિધાનસભ્યોને નોટિસ મોકલી છે. તેનો ઉત્તર 27મી જૂન સુધીમાં સાંજે મોકલી આપવાનું કહેવામાં આવ્યું છે.
શિવસેનાના મુખ્ય વ્હીપ સુનીલ પ્રભુએ ગત બુધવારે પક્ષની બેઠક બોલાવી હતી. તેમાં ગેરહાજર રહેનારા 16 વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા સુનીલ પ્રભુએ ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવલને પત્ર લખ્યો હતો. તે અનુસાર વિધાનગૃહોના પ્રિન્સિપલ સેક્રેટરી રાજેન્દ્ર ભાગવતએ શનિવારે 16 બળવાખોર વિધાનસભ્યોને સમન્સ મોકલ્યા હતા.
શિંદે જૂથ તરફથી જણાવવામાં આવ્યું હતું કે શિવસેનાના વ્હીપ તરીકે સુનીલ પ્રભુના સ્થાને ભરત ગોગાવલેની નિમણૂક કરવામાં આવી છે. શિવસેના વતીથી આ કેસની સુનાવણીમાં અગ્રણી ધારાશાત્રી કપિલ સિબલ ઊભા રહેશે. શિંદેનું જૂથ શિવસેનાના બેતૃતીયાંશ કરતાં વધારે વિધાનસભ્યોનો ટેકો હોવાનો દાવો કરે છે.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust