400 કિ.મી.ના રોડ માટે રૂ. 5800 કરોડનાં ટેન્ડર બહાર પાડયાં

400 કિ.મી.ના રોડ માટે રૂ. 5800 કરોડનાં ટેન્ડર બહાર પાડયાં
જોઈએ હવે રસ્તા પરના ખાડા દૂર થાય છે કે નહીં 
મુંબઈ, તા. 4 : શહેરના 400 કિલોમીટરના માર્ગોના રૂપિયા 5800 કરોડના સિમેન્ટ કોક્રિટીકરણ માટે પાંચ કંપનીઓ પાસેથી બીડ્સ મંગાવવામાં આવી છે. સામાન્ય રીતે પાલિકા વાર્ષિક ધોરણે માર્ગોના સમારકામ માટે રૂપિયા 2000 કરોડ સુધીની રકમનો ખર્ચ કરતી હોય છે એટલે આ ટેન્ડર અત્યાર સુધીનો સૌથી મોટો રોડ ટેન્ડર છે. અગાઉ સૌથી મોટો ટેન્ડર 2018માં રૂપિયા 12000 કરોડનો મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે બહાર પાડવામાં આવ્યો હતો.
માર્ગોમાં ખાડાની સમસ્યાને દૂર કરવા 2.24 સુધીમાં તમામ રોડનું સિમેન્ટ કોક્રિટીકરણ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યા બાદ બીએમસીએ મંગળવારે 400 કિલોમીટરના માર્ગો માટે રૂપિયા 5800 કરોડના બીડ્સ પાંચ કંપનીઓ પાસેથી મંગાવ્યા હતા.
સુધરાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિમેન્ટ કોક્રિટના રોડ પર ખાડા પડવાની શક્યતા 90 ટકા જેટલી ઓછી થઈ જાય છે. બીએમસી ચોમાસા બાદ આ બાબતમાં વર્ક અૉર્ડર બહાર પાડશે અને વર્ષના અંત પહેલા કામ શરૂ કરી દેશે.
વર્ક ઓર્ડર બહાર પડયા બાદ 24 મહિનાની અંદર તમામ રોડના કાર્યો પૂરાં કરી દેવામાં આવશે.
આ કાર્યો પૂરાં થયા બાદ કંપનીની જવાબદારીનો સમય 10 વર્ષનો હશે અને 20 ટકા રકમ અટકાવી રાખવામાં આવશે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust