શ્રીકૃષ્ણ સંગિની યમુનામાં યમુનામહારાણીનું મહિમાગાન

ડૉ. શશિ બિહારી ખંડેલવાલ બિહારી  નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ શ્રીકૃષ્ણસંગિની યમુનામાં કૃષ્ણના ચોથા પટરાણી યમુનામાતાના પૃથ્વી પર પ્રગટ થવાના અને ભક્તોનો ઉદ્ધાર કરવાની કથા છે. યમુના સૂર્યદેવની પુત્રી અને યમરાજની બહેન છે. ગોલોકધામથી પૃથ્વી પર પ્રગટ થયા બાદ તેના મોટાભાઈ યમરાજથી ત્રસ્ત પૃથ્વીવાસીઓની પીડા તે સહન ન કરી શકી. એક દિવસ બહેનના આમંત્રણ પર યમરાજ તેના ઘરે જમવા ગયા. યમુના તેમને લોકોને યાતના આપવાનું બંધ કરવાનું કહે છે. આથી યમરાજ તેને જણાવે છે કે, આ કામ તો મને વિદાતાએ સોપ્યું છે જે બંધ ન કરી શકાય. આમ છતાં હું એટલું કહું છું કે, ભૂતલ પર જે તારું પૂજન કરશે, તારા જળમાં સ્નાન કરશે અને તેનું પાન કરશે. તે તમામ પાપમાંથી મુક્ત થશે અને મારા ભયથી મુક્ત રહેશે. ત્યાર બાદ યમુનામાતા ભક્તોના કઈ રીતે દુ:ખ દૂર કરે છે તે દર્શાવવામાં આવ્યું છે.  
યમુનામાતાની મહિમાનું ગાન કરતી ફિલ્મ શ્રીકૃષ્ણ સંગિની યમુનામાં આકાંક્ષા પાલ, મનીષ ગર્ગ, નીલમ કુમારી, અનુજ ભારદ્વાજ, હર્ષિતા વર્મા, અજય યાદવ અને પ્રિયાંશી પલબ છે. હાલમાં થિયેટરમાં રજૂ થયેલી આ ફિલ્મનું શૂટિંગ તલાસરી, પાલઘર, વજરેશ્વરી, બરસાના, મથુરા અને મુંબઈમાં થયું છે. 
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust