શ્રીશંકર અને સુધીરે ઇતિહાસ રચ્યો

શ્રીશંકર અને સુધીરે ઇતિહાસ રચ્યો
લૉન્ગ જમ્પમાં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારો મુરલી શ્રીશંકર ભારતનો પહેલો એથ્લેટ
પેરા પાવર લિફ્ટિંગમાં સુધીરે ગોલ્ડ મેડલ જીતી નવો રેકર્ડ બનાવ્યો
બર્મિંગહામ, તા.5:  ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને સતત બીજા દિવસે સફળતા મળી છે. મુરલી શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદમાં ઇતિહાસ રચીને રજત ચંદ્રક જીતવામાં સફળ રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતનારો મુરલી શ્રીશંકર પહેલો ભારતીય એથ્લેટ છે. શ્રીશંકરે તેના પાંચમા પ્રયાસમાં 8.08 મીટર લાંબી છલાંગ લગાવીને રજત ચંદ્રક તેના નામે કર્યોં હતો. ગોલ્ડ મેડલ જીતનાર બહામાસના ખેલાડી લેકુઆન નેર્નએ તેના બીજા પ્રયાસમાં 8.08 મીટરની છલાંગ લગાવી હતી. આથી તે સુવર્ણનો હક્કદાર બન્યો હતો.  જ્યારે દ. આફ્રિકાના ખેલાડી યોવાન વાન વુરેનએ 8.06 મીટરના કૂદકા સાથે કાંસ્ય ચંદ્રક કબજે કર્યોં હતો. ભારતના અન્ય એક એથ્લેટ મોહમ્મદ અનીસ આ સ્પર્ધામાં પાંચમા સ્થાને રહ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતના પેર એથ્લેટ સુધીરે ઇતિહાસ રચીને ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરા પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ જીતનારો સુધીર ભારતનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે બીજા પ્રયાસમાં રેકોર્ડ 212 કિલો વજન ઉઠાવીને 134.5 પોઇન્ટ સાથે સુવર્ણ ચંદ્રક તેના નામે કર્યોં હતો. નાઇજીરિયાનો પેરા પાવર લિફ્ટિર ઇકેચુકવુ ક્રિસ્ટિયન 133.6 પોઇન્ટ સાથે સિલ્વર અને સ્કોટલેન્ડનો પેરા ખેલાડી મિકી યૂલે 130.9 અંક સાથે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યા હતા.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust