હૉમ લોન મોંઘી થવાથી રિયલ એસ્ટેટનો વિકાસ રુંધાશે : નિષ્ણાતો

નવી દિલ્હી, તા. 5 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટમાં 50 બેઝીસ પૉઈન્ટ વધારીને તેને કોરોનાકાળ પહેલાના 5.40 ટકાના લેવલ પર લઈ ગયા છે. વ્યાજદરના આ વધારાની હોમ લોન પર વિશેષ અસર પડશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ ધીમો પડશે, એમ નિષ્ણાતો જણાવે છે.
રિઝર્વ બૅન્કે મે મહિનાથી લઈ અત્યાર સુધીમાં કુલ 140 બેઝીસ પૉઈન્ટ વ્યાજદર વધાર્યો છે. તે કારણે હાઉસિંગ લોન મોંઘી થતી જાય છે.
મે મહિનામાં અચાનક વ્યાજદર વધ્યો ત્યારે હોમ લોનના વ્યાજદર વધ્યા હતા. ત્યાં સુધી હોમ લોનના વ્યાજદર સૌથી નીચા હતા. તેના કારણે કોરોનાનો કપરો સમય પસાર થઈ ગયો અને પ્રોપર્ટીનું વિક્રમ વેચાણ થયું હતું. વ્યાજદર વધવાને કારણે હવે બીલ્ડરોએ પ્રોપર્ટીની માગ ટકાવી રાખવા માટે આકર્ષક અૉફરો આપવી પડશે.
 હોમ લોનના વ્યાજદર ફલેક્સિબલ હોય છે. એટલે ટૂંકા ગાળામાં વ્યાજદર વધે તે હોમ લોનના ગ્રાહકોને પસંદ નથી હોતું. પ્રોપર્ટીના ડેવલપરોને જાણ હોય છે કે વધતા જતા ફુગાવાને કારણે આર્થિક વિષમતાઓ વધતી જાય છે. એટલે આગામી તહેવારોની સિઝનમાં ગ્રાહકોને અત્યંત આકર્ષક અૉફર આપવી પડશે, એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
હાલમાં હોમ લોનના વ્યાજદર 7.4 ટકાની આસપાસ છે, જે તેની પહેલા 6.6 ટકા જેટલા હતા તેમ જ લગભગ બે વર્ષ સુધી તેટલા જ રહ્યા હતા.
હવે હોમ લોનના વ્યાજદર 30થી 40 બેઝીસ પૉઈન્ટ વધશે તેના કારણે આગામી તહેવારોની સિઝનમાં નિવાસી યોજનાઓનો વિકાસ ધીમો પડશે અને ટૂંકા સમય માટે નવા ઘરોનું વેચાણ ધીમું પડશે. આ ટૂંકા ગાળાની ચેતવણી છે. મધ્યમથી લાંબા ગાળામાં સમગ્ર રહેઠાણ ક્ષેત્રની પ્રગતિ અકબંધ રહેશે, એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.
ભારતનું રેસિડેન્સિયલ ક્ષેત્ર વિકાસશીલ છે અને 2010-2012ના સમયગાળા જેવું પ્રગતિશીલ છે. જાન્યુઆરીથી જૂન, 2022માં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ હતું.
ત્રીજી વખત વ્યાજદર વધ્યો તેના કારણે વાજબી ભાવે ઘર ખરીદવાની લોકોની ઈચ્છા પૂરી ન થઈ શકે તેવું બને. રિઝર્વ બૅન્કનો વ્યાજદર વધે તેના કારણે હોમ લોનના વ્યાજદર વધે અને છેવટે નાગરિકોની ખરીદશક્તિ પર અસર પડે. હાલમાં ઘર ખરીદવાની માગ સારી છે. એટલે હોમ લોનના વધતાં વ્યાજદર લોકોની ખરીદીને અવરોધી શકે.
અત્યાર સુધીના વધેલા વ્યાજદરની સમગ્ર અસર હોમ લોનના વ્યાજદર પર પડે તો ઘર ખરીદવાની શક્તિ 11 ટકા જેટલી ઘટે. એટલે કે કોઈ વ્યક્તિની રૂા. એક કરોડનું ઘર ખરીદવાની ક્ષમતા હોય તો તેઓ હવે રૂા. 89 લાખનું ઘર ખરીદી શકે. વ્યાજદર વધવાને કારણે ગ્રાહકોને જે ફટકો પડયો તેનો માર ઓછો કરવા માટે પ્રોપર્ટી ડીલરે વિવિધ આકર્ષક યોજનાઓ રજૂ કરવી પડશે.
વ્યાજદર જ્યારે ઓછા હતા તે બે વર્ષના સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની માગ વધી હતી. હવે જ્યારે ત્રીજીવાર વ્યાજદરનો તીવ્ર વધારો થયો છે ત્યારે લોકોને આંચકો લાગ્યો છે તથા પ્રોપર્ટીની માગ ઘટી છે. તહેવારોની સિઝનમાં સ્ટેમ્પ ડયૂટી ઘટાડીને સરકાર લોકોનો ભાર ઓછો કરી શકે.
સ્ટેમ્પ ડયૂટી ઓછી કરવાથી તેમ જ રેડી રેકનર રેટ ઘટાડવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને મદદ મળશે. આ બન્ને બાબતો રાજ્ય સરકારના નિયંત્રણમાં હોય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી તથા મધ્ય પ્રદેશમાં કોરોના કાળ દરમિયાન આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા હતા.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust