મુંબઈ, તા. 5 : મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (એમએન્ડએમ) એ જૂન, 2022માં પૂરાં થયેલા ત્રિમાસિકના સ્ટેન્ડએલોન ચોખ્ખા નફામાં 67 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂ. 1430 (રૂ. 855) કરોડનો થયો છે. કુલ આવક પણ 67 ટકા વધીને રૂ. 19,613 (રૂ. 11,765) કરોડની થઈ છે.
કંપનીએ ઓટો અને કૃષિ સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી વધુ સ્ટેન્ડએલોન આવક નોંધાવી છે જે રૂ. 18,995 કરોડ છે.
કંપની પ્રવક્તાએ કહ્યું કે, કૃષિ ઉપકરણ ક્ષેત્રે પહેલા ત્રિમાસિકમાં એમએન્ડએમનો હિસ્સો 0.9 ટકા વધીને 42.7 ટકાનો થયો છે. એસયુવી રેવેન્યુ સંદર્ભે 17.1 ટકાના બજાર હિસ્સા સાથે આ સેગમેન્ટમાં કંપનીએ ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે. કૃષિ ઉપકરણ સેગમેન્ટે સ્થાનિક ધોરણે સૌથી વધુ 1,12,300 ટ્રેક્ટર્સનું ત્રિમાસિક વોલ્યુમ નોંધાવ્યું છે અને 5100 ટ્રેક્ટર્સની નિકાસ કરી છે. વધુમાં, ઓટો સેગમેન્ટમાં કંપનીએ ત્રિમાસિક દરમિયાન એસયુવીની સૌથી વધુ 75.4 હજાર અને પીક-અપની 46,000 યુનિટ્સની ડિલીવરી કરી હતી.
કૃષિ ઉપકરણ સેગમેન્ટની આવક 26 ટકા વધીને રૂ. 6689 (રૂ. 5319) કરોડ અને ઓટોમોટીવ સેગમેન્ટની આવક વધીને રૂ. 12,306 (રૂ. 6050) કરોડની થઈ છે.
કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર રાજેશ જેજુરીકરે કહ્યું કે, કંપનીએ ઓટો અને કૃષિ સેગમેન્ટ માટે અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક નોંધાવી છે. તે સાથે પહેલા ત્રિમાસિકમાં સકારાત્મક પરિણામ નોંધાવ્યા છે. એસયુવી રેવેન્યુમાં બજાર હિસ્સામાં ટોચનો ક્રમ જાળવી રાખવાની સાથે ટ્રેક્ટરના 42.7 ટકા બજાર હિસ્સા સાથે નેતૃત્વની સ્થિતિ મજબૂત બનાવી છે. કંપનીનો ઓટોમોટીવ પોર્ટફૉલિયો 2,73,000 બાકિંગ સાથે સતત વૃદ્ધિ કરી રહ્યો છે. કંપનીએ તાજેતરમાં સ્કોર્પિયો-એન બજારમાં ઉતારી છે અને આ મહિનામાં બોર્ન ઈલેક્ટ્રિક વિઝન પ્રસ્તુત કરવાના લક્ષ્ય સાથે વિકાસના આગલા તબક્કા તરફ આગળ વધી રહી છે.
Published on: Sat, 06 Aug 2022
મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો જૂન, 22 ત્રિમાસિક નફો 67 ટકા વધ્યો
