હવે જોગેશ્વરીમાં પણ બનશે ટર્મિનસ

મુંબઈ, તા. 5 : પશ્વિમ રેલવેએ મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે જોગેશ્વરીમાં પણ ટર્મિનસ ઊભું કરવાનો નિર્ણય લીધો છે અને `વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનો માટે ત્યાં યાર્ડ બનાવવાનું પણ આયોજન છે. ઉપરાંત માલગાડીઓ માટે પણ સ્ટોપ બનવાનું છે. આથી આગામી કેટલાક વર્ષમાં ટ્રેનો માટે જોગેશ્વરી મહત્વનું કેન્દ્ર બની રહેશે. 
મુંબઈ ઉપનગરીય રૂટ પર લાંબા અંતરની ટ્રેનોનું વધતું ભારણ ધ્યાનમાં લઈને વધુ એક મિનિ ટર્મિનસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોગેશ્વરીમાં ટર્મિનસ બનાવવાના પ્રસ્તાવને રેલવે બોર્ડે 2022માં મંજૂરી આપી છે. આ ટર્મિનસ વર્તમાનના જોગેશ્વરી સ્ટેશનની નજીક જ પૂર્વ દિશામાં ઊભું કરવામાં આવશે.
ટર્મિનસમાં એક પ્લેટફોર્મ અને ત્રણ રેલવે લાઈન હશે. એમાંથી એક રેલવે લાઈનનો ઉપયોગ મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે કરવામાં આવશે. અહીંથી 12 મેલ-એક્સપ્રેસ ટ્રેન છોડવાનું આયોજન છે. એ માટે રૂા. 65 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો માટે યાર્ડ બનાવવાની યોજના છે જે રામ મંદિર સ્ટેશનની દિશામાં હશે. એ માટે રૂા. 190 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વંદે ભારત ટ્રેનો માટે આઠ સ્ટેબલ લાઈન અને શેડ બનાવવામાં આવશે. જોગેશ્વરી સ્ટેશન નજીકની બે સ્ટેબલ લાઈન તોડીને ત્યાં નવી સ્ટેબલ લાઈન તૈયાર કરાશે.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust