બેસ્ટના બસ ડેપો ખાતે હવે વેલેટ પાર્કિંગ પણ કરી શકાશે

મુંબઈ, તા. 5 : હવે બેસ્ટના બસ ડેપો ખાતે પરવડી શકે એવા દરે વેલેટ પાર્કિંગ અને સામાન્ય પાર્કિંગ કરી શકાશે. મુંબઈના આ બસ ડેપો પર રવિવારથી આ સુવિધા ઉપલબ્ધ થશે. 7 અૉગસ્ટના બેસ્ટના સ્થાપના દિવસની અને તેના સુધરાઈકરણનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બેસ્ટ પાર્ક અને ઍપ દ્વારા પાર્કિંગ વિથ ઍપની સુવિધા શરૂ કરી રહી છે. અંગત અને કૉમર્શિયલ એમ બન્ને પ્રકારનાં વાહનો માટે આ પાર્કિંગ સગવડ ઉપલબ્ધ કરાશે.
સામાન્ય પાર્કિંગ 3 કલાક કે તેનાથી વધુ સમય માટે કરી શકાશે. શહેરના તમામ બેસ્ટ ડેપો ખાતે આ પાર્કિંગ કરી શકાશે. માસિક દિવસના 12 કલાક માટે બાઇકના પાર્કિંગનો ચાર્જ રૂપિયા 660, કારનો રૂા. 1000 અને બસનો રૂપિયા 2000નો ચાર્જ રહેશે. માસિક દરરોજના 24 કલાકનો ચાર્જ બાઇક માટે રૂપિયા 1320, કાર માટે રૂપિયા 3080 અને બસ માટે રૂપિયા 3700નો રહેશે.
* વેલેટ પાર્કિંગ : ડેપોના પ્રવેશ દ્વાર પર વાહન છોડી દેવાનો. ત્યાંથી વેલેટ તેને લઈ જશે. શરૂઆતમાં કોલાબા, મુંબઈ સેન્ટ્રલ, વરલી, દિંડોશી અને બાન્દ્રાના ડેપો ખાતે આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
* કોઈ પણ વાહન માટે 2 કલાકનો ચાર્જ રૂપિયા 100 અને ત્યારબાદ પ્રત્યેક વધારાના કલાકનો ચાર્જ રૂપિયા 30 રહેશે.
* બુકિંગ સ્લોટ : ઍપ પર 24 કલાક પહેલાં બુક કરાવવાનો રહેશે.
* ડેપો પસંદ કરો, સ્લોટને ઓળખો અને દિવસના ચોક્કસ સમય માટે બુક કરો.
* પાર્કિંગનો સમય નક્કી કરો અને ડિજિટલી ચુકવણી કરો, એમ બેસ્ટના પ્રવક્તા સત્યવાન ઇથાનેએ જણાવ્યું હતું.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust