આરેમાં વૃક્ષો કપાતાં નથી અને જૈસેથે પરિસ્થિતિ યથાવત્ છે

સુપ્રીમ કોર્ટમાં એમએમઆરસીએલની રજૂઆત
નવી દિલ્હી, તા. 5 (પીટીઆઈ): આરે કોલોનીમાં પ્રસ્તાવિત મેટ્રો કાર શૅડના નિર્માણ સ્થળે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવા અંગેની અરજીની સુનાવણી દરમિયાન એમએમઆરસીએલ-મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ.એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 2019ના અૉક્ટોબર પછી અહીં એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી.
સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ પણ આરેમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવા અંગેની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
એમએમઆરસીએલ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયાધીશ યુ.યુ. લલિતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠને જણાવ્યું હતું કે પોતે 2019માં સુપ્રીમ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે મેટ્રો કારશેડ માટે હવે એક પણ વૃક્ષ કાપવામાં નહીં આવશે અને ત્યાર પછી અહીં એકપણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે મેં આજે એક સોગંદનામું આપ્યું છે કે ત્યારબાદ એકપણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી. તુષાર મહેતાએ ખંડપીઠ સમક્ષ આ નિવેદન ર્ક્યું હતું, જેમાં જસ્ટીસ અનિરુદ્ધ બોઝ અને એસ.આર. ભાટનો સમાવેશ થાય છે.
ખંડપીઠે કોર્પોરેશ વતી દાખલ કરવામાં આવેલા સોગંદનામાને રેકોર્ડ પર લીધું હતું અને જણાવ્યું હતું કે  2019ની સાતમી અૉક્ટોબર પછી એકપણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી અને આગામી સુનાવણી સુધી કાપવામાં આવશે પણ નહીં કહેવું પર્યાપ્ત છે. આ કેસની સુનાવણી આગામી 10 અૉગસ્ટે કરવામાં આવશે.
પર્યાવરણવાદીઓ મેટ્રો કારશેડ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના મુદ્દે બાંયો ચડાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં નવી સરકાર આવ્યા બાદ કલાકોમાં યોજાયેલી પ્રથમ કૅબિનેટ મીટિંગમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલું કામ અગાઉની ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડી સરકારના મેટ્રો કારશેડને આરે કોલોનીમાંથી ખસેડવાના નિર્ણયને પલટાવવાનું ર્ક્યું હતું.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ લલિતએ ધ્યાન દોર્યું હતું કે પોતે વકીલ હતા ત્યારે ટી.એન. ગોદાવરમન થીરૂમ્યુલયેડના કેસમાં પોતે `એમિક્સ ક્યુરી' (કોર્ટના મિત્ર) તરીકે કામ કર્યું હતું. તેથી આ બાબતમાં હિતોનો ટકરાવ થાય છે કે કેમ? એ આશ્ચર્ય છે. તે અંગે તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેમાં હિતોનો ટકરાવ થાય એમ હું માનતો નથી.
ખંડપીઠ નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું કે જનહિતની અરજી કરવાના કેટલાંક લાભ હોય છે અને અમે વાસ્તવિકતાને ધ્યાનમાં લેશું.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust